સુરતમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોંગ્રેસી નેતાઓની અટકાયતથી રોષ
- અપીલ માટે સુરત પહોંચનારા રાહુલના સ્વાગત, સમર્થન માટે એરપોર્ટથી કોર્ટ સંકુલ સુધી પોસ્ટરો, પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર
- રાહુલના સમર્થન માટે મુંબઈ સહિતના શહેરોમાંથી કોંગ્રેસીઓ ઉમટ્યાઃ સઘન પેટ્રોલિંગ સાથે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
સજાના ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ માટે આવનારા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત શહેરમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. એરપોર્ટથી કોર્ટ સંકુલ સુધીના રૂટ ઉપર ઠેર ઠેર રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે. એટલું જ નહીં, અનેક સ્થળોએ કોંગ્રેસી કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ લઈને ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોલીસે સમગ્ર રૂટ તેમજ કોર્ટ સંકુલની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે અને કોંગ્રેસી નેતાઓની અટકાયત પણ શરૂ કરી દીધી છે.
બધા ચોરોની અટક મોદી કેમ હોય છે, તેવા નિવેદન બદલ રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી હતી. કોર્ટે અપીલ માટે 30 દિવસના જામીન આપ્યા હતાં. જેથી હવે રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટમાં નીચની કોર્ટના ચુકાદા સામે અપીલ માટે આવી રહ્યાં છે. સવારે તેઓ પોતાની લીગલ ટીમ તેમજ કેટલાક ઉચ્ચ કોંગ્રેસી નેતાઓ સાથે સુરત આવવા નીકળી ગયા હતાં અને બપોર સુધીમાં તેઓ સુરત પહોંચશે. ત્યારે સુરતમાં રાહુલ ગાંધીના સ્વાગત, સમર્થન માટે કોંગ્રેસીઓમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.
દરમિયાન એવી માહિતી સાંપડી છે કે મુંબઈ જેવા અનેક શહેરો, સુરત સહિતના જિલ્લાઓમાંથી કોંગ્રેસી કાર્યકરો સુરત આવી પહોંચ્યા છે. જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસે પહેલેથી જ કોંગ્રેસી નેતાઓ તેમજ કાર્યકરોની અટકાયત શરૂ કરી દીધી છે. મહિલા નેતાઓને પણ નજરકેદ કરી દેવાયા છે. પોલીસની આ કાર્યવાહીને પગલે કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.