October 31, 2024

પૂર્વ DGPને બ્લેકમેલનું ષડ્યંત્રઃ ભાજપ નેતા, બે પત્રકારો સહિત પાંચ ઝબ્બે

  • રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા, પાંચેયની ધરપકડ
  • દુષ્કર્મ પીડિતા મહિલાના નામે ખોટી એફિડેવિટ બનાવી વાઈરલ કરાઈ હતીઃ રૂ. 8 કરોડ પડાવવાનો કારસો રચ્યો હતો

પોલીસ બેડા ઉપરાંત રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા એક હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. રાજ્યના પૂર્વ DGPને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂ. 8 કરોડ પડાવી લેવા માટે એક મોટું ષડ્યંત્ર રચાયું હતું. જેમાં ભાજપના એક નેતા અને બે પત્રકારો સહિત પાંચ જણાંની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

થોડા સમય પૂર્વે ગાંધીનગરના પેથાપુરની દુષ્કર્મ પીડિતા મહિલાના નામની એક ખોટી એફિડેવિટ વાઈરલ થઈ હતી, જેમાં રાજ્યના પૂર્વ DGPએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. અલબત્ત પીડિતાના નિવેદનો નોંધવા ઉપરાંત પૂછપરછમાં એવું જણાયું હતું કે એફિડેવિટમાં જે પૂર્વ પોલીસ અધિકારીના નામનો ઉલ્લેખ કરાયો હતો તેમને મહિલા ઓળખતી ન હતી કે તેમણે આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું ન હતું. જેથી સમગ્ર તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી.

તલસ્પર્શી તપાસ બાદ એટીએસએ આજે પત્રકાર પરિષદ યોજી કાવતરાખોરોનો ભાંડો ફોડ્યો હતો. જેમાં સમગ્ર ષડ્યંત્રના મુખ્ય સૂત્રધાર ભાજપના ઓબીસી મોરચાના નેતા જી. કે પ્રજાપતિ ઉર્ફે જી. કે. દાદા હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ પીડિતાને છેતરીને, તેની એફિડેવિટમાં પાછળથી પૂર્વ DGPનું નામ ઉમેરાયું હતું. પત્રકારો આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીએ આ એફિડેવિટને વાઈરલ કરવા તેમજ અખબારોમાં છપાવવા માટે રૂ. 5 લાખ લીધાં હોવાની માહિતી પણ એટીએસને મળી છે. ઉપરાંત આ કાવતરાના અન્ય ભાગીદારો સુરતના હરેશ જાદવ તેમજ મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમિનીનો પણ ઉઘાડા પડી ગયા છે. જેથી એટીએસએ આ તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *