અકસ્માતમાં નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલી હીટ એન્ડ રનની ઘટનામાં 9 નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેથી હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે.
તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા ભયાનક અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. ઉલ્લેખનિય છે કે, મોડી રાત્રે બનેલી એક અકસ્માતની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ સ્પીડમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા.તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા અને આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.