અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારી:યાત્રાળુઓની સુવિધામાં વધારો
ગુજરાતમાં અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમે પરંપરાગત મેળો યોજાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે, જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. ત્યારે આ વર્ષે તારીખ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનારા આ ભવ્ય મેળામાં આશરે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે જેથી યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે વિશેષમાં સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તો ચોતરફથી માતાજીની ઝાંખી જોઈ શકશે.
આ વર્ષે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે 9000 ચો.મી વિસ્તારને સાંકળી ચાર સ્થળોએ બનનારા આ વૉટરપ્રૂફ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકિપિંગ સર્વિસ, સાઈનેજિસ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો ઘટાડવા માટે એક સમાન લાઇટિંગ, વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ સાથે પાર્કિંગ વિસ્તાર વધારવામાં આવ્યો છે.