Alart:સુરત નવી સિવિલ હોસ્પિ.માં PSA પ્લાન્ટ શરૂ: તબીબોને રજા પરથી પરત ફરવા સુચના
ચીનમાં કોરોના બાદ હવે નવી બિમારીએ દેખા દીધી છે જેમાં બાળકોમાં શ્વાસ લેવામાં અને ફેફસામાં તકલીફના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોનાની જેમ આ બિમારી પણ હાહાકાર ન સર્જે એ માટે સાવચેતીના ભાગરુપે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવ્યું છે. જેના પગલે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ, વોર્ડની વ્યવસ્થા, મેડિસિન તેમજ PSA પ્લાન્ટ સહિતની વ્યવસ્થા ઉભી કરવા અંગેની સૂચના આપવામાં આવી છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે તેમજ રજા પર ગયેલા તમામ તબીબોને તાત્કાલિક ફરજ પર હાજર થવાની સૂચના આપી દેવામાં આવી છે. જો કે આ બીમારીને પગલે કેન્દ્ર સરકારે કોરોના જેવી ગાઈડલાઇન ઈશ્યૂ કરી છે જેમાં પેનિક કરવાની પણ કોઈ જરૂર નથી, ફક્ત નિયમોનું પાલન કરતા રહો તેવું સૂચન કરાયું છે.
કોરોનાની બિમારીથી આજે પણ લોકોમાં ભય જોવા મળે છે ત્યારે ચીનમાં જોવા મળેલી નવી બીમારીને પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગૃરુપે ઓક્સિજનના ત્રણ પ્લાન્ટની ચકાસણી કરીને ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પીપીઈ કીટ તેમજ દવાઓ સહિત તમામ વસ્તુ ચકાસી લેવામાં આવી છે. જેમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફાયર વિભાગ તેમજ ઓક્સીજન પ્લાન્ટ બંનેની મોકડ્રિલ કરી ચકાસણી કરાઈ હતી. આમ આવનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરતનું સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ થઈ ગયું છે.