અબુધાબીમાં કરોડપતિ ભિખારણની ધરપકડઃ લક્ઝરી કાર જપ્ત
- એક ગૃહસ્થની ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી, અબુધાબીમાં ભીખ માંગવી ગુનો
- ભીખ માંગવા વિવિધ સ્થળે જવા લક્ઝરી કાર ખરીદેલીઃ કાર અને ઘરમાંથી કરોડો દિરહામ મળી આવ્યા
સંયુક્ત અરબ અમીરાતના અબુ ધાબીની પોલીસે ભિખારીઓ સામે કરેલી કાર્યવાહીમાં એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. એક ગૃહસ્થની ફરિયાદને આધારે પોલીસે એક ભિખારણ ફરતે વોચ ગોઠવી હતી. જેમાં આ ભિખારણ ભીખ માંગવાના સ્થળે જવા માટે લક્ઝરી કારનો ઉપયોગ કરતી હોવાનું સત્ય બહાર આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
અબુધાબી પોલીસની કાર્યવાહી અંગે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે તે મુજબ પોલીસ સમક્ષ એક સ્થાનિક ગૃહસ્થે એક ભિખારણ સામે શંકા ઠેરવી હતી. જેથી પોલીસે તુરંત જ મસ્જિદની સામે બેસીને ભીખ માંગી રહેલી આ ભિખારણ ફરતે વોચ ગોઠવી હતી. પોલીસ ત્યારે ચોંકી ઉઠી, જ્યારે આ ભિખારણ ભીખ માંગવા બીજા સ્થળે જવા માટે પોતાની લક્ઝરી કારમાં સવાર થઈ હતી. પોલીસે જણાવ્યું કે ચોક્સાઈ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેની કારમાંથી હજારો દિરહામ મળી આવ્યા હતાં. બાદમાં તેના ઘરે તપાસ કરતાં તો પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી અને કરોડો દિરહામ મળી આવતાં તમામ વસ્તુ જપ્ત કરવામાં આવી છે.
હકીકતમાં અબુધાબીમાં ભીખ માંગવી ગુનો છે. જેથી સ્થાનિક પોલીસ અવારનવાર ભિખારી પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવે છે. તાજેતરમાં જ 159 જેટલા ભિખારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ કરીને રમઝાન મહિનામાં આ પ્રવૃત્તિ પોલીસ માટે માથાનો દુઃખાવો બની રહે છે. ભીખ માંગવા બદલ અબુધાબીમાં ત્રણ મહિનાની કેદ અથવા 5000 દિરહામના દંડની જોગવાઈ છે. સંગઠિત રીતે ભીખ માંગવા બદલ 1 લાખ દિરહામ અથવા 6 મહિનાની સજાની જોગવાઈ છે.
અબુધાબીમાં ભીખ પ્રવૃત્તિને સભ્ય સમાજની છબીને નુક્સાન પહોંચાડનારી તેમજ સામાજિક અભિશાપ ગણાવી છે.