બુટલેગર અને CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ ગંભીર ગુનામાં ભાગીદાર
Crime News Surat: કચ્છના ભચાઉમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર બુટલેગરે થાર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો, પોલીસે ફાયરિંગ કરી થાર કારને આંતરી ત્યારે ભાંડો ફૂટ્યો
કારમાંથી બિયરના 18 ટીન મળ્યા, કુખ્યાત વોન્ટેડ બુટલેગર સાથે CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ પણ હતી, પોલીસે બને વિરુદ્ધ ગુનો નોંધ્યો
પવિત્ર ખાખી વર્દી પર કેટલાક કર્મચારી-અધિકારીઓ અનેક પ્રકારે દાગ લગાવી રહ્યાં છે, જેને કારણે સન્માનીય ખાખી વર્દી બદનામ થઈ રહી છે. કચ્છના ભચાઉમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે, જેમાં પોલીસની મહિલા કોન્સ્ટેબલે ખાખી વર્દીની આબરુની ધૂળધાણી કરી નાંખી છે.
વાત એમ છે કે કુખ્યાત ચિરાઈ ગામના બુટલેગર યુવરાજસિંહ જાડેજા, તે જેની સામે હત્યાના પ્રયાસ, એટ્રોસિટી અને પ્રોહિબીશન સહિત 14 જેટલા ગુના નોંધાયા છે, તે વોન્ટેડ હોવાથી તેને પોલીસ શોધી રહી હતી. દરમિયાન ભચાઉ પોલીસને માહિતી મળી હતી કે યુવરાજસિંહ પોતાની થાર કારમાં દારૂની હેરાફેરી માટે નીકળ્યો છે અને ગોલ્ડન બ્રિજ નીચેથી પસાર થવાનો છે, જેથી પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની થાર કાર આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે પોલીસને કચડી મારી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પણ સતર્ક હોવાથી તુરંત થાર કાર પર ફાયરિંગ કરી ઈરાદો જાહેર કરી દીધો હતો.
જેથી કારચાલક બુટલેગર યુવરાજસિંહ શરણે થઈ ગયો હતો અને કાર ઉભી રાખી દીધી હતી. પોલીસે કારની તલાશી લેતાં 18 નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં. જો કે કારમાં બુટલેગર યુવરાજસિંહની સાથે એક મહિલા હાજર હતી, તેની ઓળખ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી. કારણકે આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી નીતા ચૌધરી હતી. ભચાઉ પોલીસે બુટલેગિંગ ઉપરાંત પોલીસ ટીમ પર કાર ચઢાવી હત્યાના પ્રયાસ બદલ બુટલેગર યુવરાજસિંહ તેમજ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રજા અને કાયદાની રક્ષા માટે આદરણીય કહી શકાય તેવી પોલીસ પર નીતા ચૌધરીએ કલંક લગાડ્યું છે, જે રાજ્યભરના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.