November 21, 2024

સુરત શહેરનું માન દરવાજા ટેનામેન્ટ એટલે સાચે જ “મીની ભારત”, પણ હવે ખંડેર બની જશે

સુરત શહેરની મધ્યમાં ટેક્ષ્ટાઈલ માર્કેટ વિસ્તાર પાસે રીંગરોડ સમીપે આવેલ માન દરવાજા ટેનામેન્ટને સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે વર્ષ ૧૯૭૦માં શહેરનાં શ્રમિક મધ્યમવર્ગ પરિવારો માટે રાહત દરનાં મકાન સરળ હપ્તેથી આપેલ. આ ટેનામેન્ટમાં ત્રણ અલગ અલગ કેટેગરી એ, બી અને સી બ્લોક પાડીને આશરે ૧૩૦૦ ફલેટ ગ્રાઉન્ડ + ત્રણ માળનાં બાંધવામાં આવેલ. જેમાં સી -૧ ટેનામેન્ટની શરૂઆતથી વર્ષ ૨૦૦૧ સુધી “પત્રકાર કોલોની” તરીકે ઓળખ રહી. શહેરમાં વર્ષો જુના જુજ પત્રકારો હતા, તેમાંના ઘણાં સી -૧ માં પરિવાર સાથે વસવાટ કરતા.
આ ટેનામેન્ટની ધરતી ખરેખર અતિ પાવન રહી છે. દરેક ધર્મમાં “પાડોશી ધર્મ” બાબતે ખૂબ ઉંડાણપૂર્વક કહેવાયું છે, અહીં એ ધર્મના હરહંમેશ સાક્ષાત અનુભવ થયા છે. વર્ષ ૧૯૯૫ મારી ૧૭ વર્ષની ઉંમરથી અમો સી -૭ ટેનામેન્ટમાં સયુંકત કુટુંબમાં રહ્યા. આ ટેનામેન્ટ વિસ્તારમાં વર્ષોથી ગોલા – રાણા, મોઢ વણિક – ઘાંચી, મુસ્લિમ, બ્રાહ્મણ, મરાઠી, અનાવિલ બ્રાહ્મણ સહિત દક્ષિણ ભારતનાં તેલુગુ સમાજનાં પરિવારો વસવાટ કરતા. ૧૯૯૨ બાબરી ધ્વંસ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણ અને ૨૦૦૨નાં રાયોટમાં પણ આ વિસ્તારમાં કોઈ કાંકરીચાળો ન થયો. હું જાણું છું ત્યાં સુધી ક્યારેય કોઈ કોમી તણાવ બાબતની અનિચ્છનીય બનાવ ન બન્યો. આ વિસ્તારમાં શ્રી ગણેશ ઉત્સવ, નવરાત્રી, દશેરા, દિવાળી, હોળી, મોહરમનાં તાજીયા, ઈદે મિલાદનું જુલૂસ, રમઝાન ઈદ/બકરી ઈદ હોય કે થર્ટી ફર્સ્ટની ઉજવણી, કોઈપણ પ્રકારનો ધાર્મિક/સામાજીક પ્રસંગ હોય, એમાં ક્યારે કોઈ અણબનાવ ન બન્યો, એ એક રેકોર્ડ છે. હિંદુ – મુસ્લિમ એકતા જાણે અહીંનાં સ્થાનિકોમાં પરમકૃપાળુ પરમાત્માએ કણ કણમાં પરોવી દીધી હોય એવું લાગે અને એટલે જ મારા જેવા રાજકીય કાર્યકરને ક્યારેય હિન્દુ – મુસ્લિમ એકતાનો દેખાડો કરવાની જરૂર નહિ પડી. “કાગડા બધે જ કાળા હોય” એમ કદાચ ૧% લોકો કટ્ટર માનસિકતા ધરાવતા હશે, પણ તેઓ એમાં ક્યારેય સફળ ન થયા એનો મને આનંદ છે અને એટલે જ એ હર હંમેશ મારા સહિત સ્થાનિક સૌ માટે માન દરવાજા ટેનામેન્ટ “મીની ભારત” રહ્યું છે.

પરંતુ આ “મીની ભારત” આજે સુરત મહાનગરપાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકોની અનિર્ણાયકતાનાં કારણે વેર વિખેર થવા જઈ રહ્યું છે. ૫૦ વર્ષ જુના ટેનામેન્ટ જર્જરિત છે અને એની કાર્યવાહી તંત્ર કરે એમાં કોઈ વાંધો નથી. પણ વર્ષ ૨૦૧૭થી રિ – ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે મનપા તંત્રએ કોઈ નક્કર પગલા ન લેતા આજે ૧૩૦૦ પરિવારો એક ઝાટકે દુઃખી હૃદયે “બેઘર” બની રોડ પર આવી ગયા. ૮૦% પરિવાર પાસે પોતાનું અન્ય જગ્યાએ વૈકલ્પિક મકાન નથી, એ સત્ય સ્વીકાર્યા વગર છૂટકો નથી અને એના માટે જવાબદાર માત્ર ને માત્ર મનપા તંત્રની અનિર્ણાયક નીતિ જ રહી છે. આજે તમે ટેનામેન્ટમાં જાવો ત્યારે ભેંકાર ખંડેર જેવું લાગતું થવા માંડ્યું. સ્થાનિક સૌ લોકોની આંખમાં આંસું અને તંત્રનાં “પાપ” નો રોષ ધગધગી રહ્યા છે. જે પક્ષનું વર્ષોથી સુરત મહાનગરપાલિકામાં શાસન છે એ પક્ષનાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છેલ્લા ઘણાં વર્ષોથી તંત્ર સમક્ષ રિ – ડેવલોપમેન્ટ માટેની રજુઆતો કરીને સાવ વામણા પુરવાર થયા. સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હોય કે શાસકો હોય, સમયસર યોગ્ય નિર્ણય ન કરતા મારૂં “મીની ભારત” વેર વિખેર થવાની એરણે છે. સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ જી અને મેયરશ્રી દક્ષેશ મેવાણીજીની સકારાત્મક સક્રિયતા સ્થાનિક અસરગ્રસ્તોને વહેલી તકે ન્યાય અપાવવા મદદરૂપ બનશે એવી આશા સાથે સૌને હૃદયથી પ્રાર્થના કરવા વિનંતી.

આપનો
અસલમ સાયકલવાલા
9898492198

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *