દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી મોખરે: મુંબઈ-કોલકાતા ટોપ 5માં
દુનિયાભરમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે સ્વિસ જૂથ IQAirના રિયલ-ટાઇમ ડેટા અનુસાર, વિશ્વના પાંચ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ત્રણ ભારતીય શહેરોનો સમાવેશ થયો છે જેમાં દિલ્હી ટોપ પર છે જ્યારે કોલકાતા ત્રીજા અને મુંબઈ પાંચમા ક્રમે છે. આ સિવાય ટોપ-5ની યાદીમાં બાકીનાં બે શહેરો પાકિસ્તાન અને બાંગ્લાદેશના છે જેમાં લાહોર બીજા સ્થાને અને બાંગ્લાદેશની રાજધાની ઢાકા ચોથા સ્થાને છે. ત્યારે વધતા પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે જેમાં સોમવારથી શુક્રવાર સુધી પાંચમા ધોરણ સુધીની શાળાઓ બંધ રહેશે. 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસની વિચારણા કરવામાં આવી રહી છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR-India)ના જણાવ્યા મુજબ દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક શનિવારે (4 નવેમ્બર) AQI 504 નોંધાયો હતો જેથી બગડતી હવાની ગુણવત્તાને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 3 નવેમ્બરના રોજ દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાનો અમલ કર્યો હતો જેમાં બિનજરૂરી બાંધકામ-ડિમોલિશન અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલરના ઉપયોગ માટે 20,000 રૂપિયાનું ચલણ કાપવાનો નિર્દેશ આપ્યો છે.