Blast:કેરળમાં પ્રાર્થના સભામાં થયા 3 બ્લાસ્ટ:1 મહિલાનું મોત, 25 ઘાયલ
કેરળના અર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ થયો ત્યારે લગભગ એક હજાર લોકો કન્વેન્શન સેન્ટરમાં હાજર હતા જેથી આ ઘટનાને પગલે તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે અને પોલીસ સહિત NIA પણ પહોંચી ગઈ છે. જો કે હાલમાં બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.
ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ રવિવારની સવારે 9:45 કલાકે કન્વેન્શન હોલમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. પ્રાર્થના પુરી થયા બાદ તરત જ બ્લાસ્ટ થયા હતા જેમાં પહેલો બ્લાસ્ટ હોલની વચ્ચે પછી હોલની બંને બાજુએ વધુ બે વિસ્ફોટ થયા હતા. ઉલ્લેખનિય છે કે, અર્નાકુલમમાં જે વિસ્તારમાં આ વિસ્ફોટ થયા છે, તેની આસપાસ મેટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો રહે છે.
બ્લાસ્ટના સમાચાર મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય મીટિંગ કરીને અધિકારીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી હતી અને બ્લાસ્ટની તપાસ માટે NIA અને IBની ટીમો મોકલવાની સૂચના આપવામાં આવી હતી.