બિહાર નોર્થ ઇસ્ટ એક્સપ્રેસના 21 કોચ ખડી પડતાં 4નાં મોત,100 મુસાફરો ઘાયલ
ગત મોડી રાત્રે બિહારના બક્સરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બક્સર જિલ્લાના રઘુનાથપુર જંકશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે જ્યારે 100થી વધુ મુસાફરો ઘાયલ હોવાનું જાણવા મળે છે. ગત રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ થયેલી આ દુર્ઘટનામાં ટ્રેનના વધુ છ કોચને નુકસાન થયું છે. અકસ્માત બાદ રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક 12506 ડાઉન નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાં ચાર મુસાફરોના મોત થયા હોવાના છે જ્યારે 100 મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ત્યારે રેલ્વેએ દુર્ઘટના બાદ પટના, દાનાપુર અને અરાહ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. આ ઉપરાંત કોમન હેલ્પલાઈન નંબર 7759070004 પણ જારી કરવામાં આવ્યો છે.
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્રેન દુર્ઘટના બાદ આરોગ્ય અને આપત્તિ અધિકારીઓ સાથે વાત કરી અને ઘાયલોની સારવાર માટે બક્સર, અરાહ અને પટનાની હોસ્પિટલોને એલર્ટ જારી કરીને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા જણાવ્યું છે.