સુરતના એનીષ રંગરેજે યોગગરબાની સુવાસ અમેરિકાના વૃદ્ધાશ્રમમાં ફેલાવી
નવરાત્રી હવે હાથવેંતમાં જ છે અને ગુજરાતીઓ ગરબે ઘુમવા માટે તડામાર તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આરોગ્ય માટે ફાયદાકારક એવા યોગ ગરબાનો ક્રોઝ પણ વધી રહ્યો છે ત્યારે યોગગરબા એ માત્ર ગુજરાતીઓ પુરતા જ સિમીત નથી રહ્યા પણ દુનિયાના હરેક માણસ માત્ર એનો લાભ લઇ શકે એ માટે નવરાત્રી પુર્વે જ એનીષ રંગરેજ અને ડો. રૂતવી ચૌહાણે અમેરિકાના વૃદ્ધાશ્રમમાં જઈને તેમને યોગગરબાનો હેતુ સમજાવ્યો અને અમેરિકનો આ પ્રવૃતિનો લાભ લે એ હેતુથી પરવાનગી લઇને યોગગરબાનું સેશન કરીને આપણી સંસ્કૃતિની સુવાસ પણ ફેલાવી.
એનીષ રંગરેજ જણાવે છે કે, અહીં દરેક વ્યક્તિ ઉંમર લાયક હોવાથી જાતે ચાલી શકતા નહોતા તો વ્હીલ ચેર પર બેસાડીને એમને યોગગરબાની પ્રવૃત્તિ કરાવી, જેમાં શ્વાસોશ્વાસની(પ્રાણાયામ) ક્રિયા પછી ગુજરાતી ગરબાના પવિત્ર શબ્દો સાથે ગરબાના મૂવમેન્ટ કરાવ્યા અને દરેક અમેરિકન દાદા – દાદીઓને ગરબા કરાવી નવરાત્રીના પવિત્ર તહેવારની ઝાંખી કરાવી વૈજ્ઞાનિક અભિગમ સમજાવ્યો. આ પ્રવૃતિમાં તેમને ખુબ જ મજા આવી. બાદમાં મેડિટેશન કરાવીને તેમના આશિર્વાદ લીધા.
અત્યાર સુધી માત્ર ગુજરાતીઓ જ યોગગરબા કરતા હતા પણ હવે અમેરિકન પણ કરશે અને ભારતની જેમ અમેરિકામાં પણ યોગગરબાના સર્ટિફિકેટ કોર્સ કરી ટ્રેનર તૈયાર થશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય સંસ્કુતિ સાથે ભારતને મહાસત્તા અપાવવાના સપનામાં ફૂલ નહિને ફૂલની પાંખડી સ્વરૂપે યોગગરબા યોગદાન આપી રહ્યું છે અને આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર અમેરિકાના અલગ અલગ શહેરમાં યોગગરબાની ઇવેન્ટનું આયોજન કરવાની તૈયારીઓ થઈ રહી છે.