BAPS:વિશ્વના બીજા સૌથી મોટા હિન્દુ મંદિરનું USની ધરતી થયું લોકાર્પણ
અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં બનાવાયેલું વિશ્વનું બીજુ સૌથી મોટું હિન્દુ મંદિર અને અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર આખરે ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે. મહંત સ્વામીના આશીર્વચન સાથે અક્ષરધામ મંદિરનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરાયું છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહંત સ્વામી મહારાજના હસ્તે કરાઈ હતી. આ મંદિર કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર બન્યું છે.
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી 90 કિમી દક્ષિણમાં આ મંદિર આવેલું છે. પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડિઝાઇન કરવામાં આવેલા આ મંદિરમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે અને તેમાં ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ કરવામાં આવ્યું છે. અક્ષરધામ હિન્દુ મંદિરમાં વાસ્તુકલા ધ્યાનમાં રાખીને અદ્વિતીય માંનીરની ડિઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પિરામીડ શિખરનો સમાવેશ થાય છે તેમજ અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.
ન્યુ જર્સીનું આ મંદિર 12 વર્ષોમાં સમગ્ર યુએસમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. પ્રમુખ સ્વામીએ 2012માં અક્ષરધામના આર્કિટેક્ચરને અંતિમ સ્વરૂપ આપ્યું હતું અને 2014માં રોબિન્સવિલેમાં તેનું ભૂમિપૂજન કર્યું હતું. મંદિરનું નિર્માણ કાર્ય 2015-23 સુધી ચાલુ રહ્યું. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં ઘણા દેશોના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ કે બલ્ગેરિયન પથ્થર, તુર્કીનો ચૂનાનો પત્થર, ગ્રીસનો આરસપહાણ, ચીનનો ગ્રેનાઈટ અને ભારતનો સેન્ડસ્ટોન. આ તમામ પત્થરોને રાજસ્થાન અને ત્યાંથી ન્યુજર્સી કોતરકામ માટે મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પરથી નીલકંઠવર્ણીની ભવ્ય પ્રતિમા જોઈ શકાય છે. આ પ્રતિમા પાસે બ્રહ્મકુંડ બનાવવામાં આવ્યો છે અને તેમાં ફુવારો પણ છે જેની ખાસ વાત એ છે કે આ બ્રહ્મકુંડમાં મહી, ઓજાત, ભાગીરથી, ગંગા, યમુના, નર્મદા, ગંડકી, ગોદાવરી, હુગલી જેવી અનેક નદીઓનો સંગમ છે.