November 27, 2024

Alert:કુરિયરબોય દ્વારા કરાતી છેતરપિંડી રોકવા પોલીસની જાહેર ચેતવણી

  • ઓર્ડર આપ્યો નહીં હોવા છતાં તમારા ઘરે કુરિયરબોય આવી પહોંચે તો સમજવું દાળમાં કંઈ કાળું છે, ઠગો તમને નિશાન બનાવવાની ફિરાકમાં છે
  • ઓર્ડર કેન્સલ કરાવવા તમારા નંબર પરથી મેસેજ કરાવે અને આવેલો OTP માંગે, આવી કોઈ ઝંઝટમાં નહીં પડવા ગુજરાત પોલીસે લોકોને જાહેર અપીલ કરી

ઓનલાઈન છેતરપિંડીના કેસો સતત વધી રહ્યાં છે, ત્યારે તેને રોકવા માટે પોલીસ પણ પ્રયત્નશીલ છે, લોકોને સતત જાગૃત કરી રહી છે. ત્યારે વધુ એક વખત પોલીસે લોકોને કુરિયરબોયના માધ્યમથી કરાતી છેતરપિંડી અંગે જાહેર ચેતવણી આપી છે.

નવા પ્રકારે વધી રહેલી ઠગાઈની મોડેસ ઓપરેન્ડી એવી છે કે ક્યારેક તમારા ઘરનો ડોરબેલ વાગે અને તમે જ્યારે દરવાજો ખોલો ત્યારે સામે એક કુરિયરમેન ઉભેલો હોય. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે તમને કહે કે તમારૂં પાર્સલ છે. તમે સ્વાભાવિક રીતે ચોંકી જાઓ કે તમે તો કોઈ ઓર્ડર કર્યો જ નથી, પાર્સલમાં શું છે તે પણ કુરિયરમેન તમને કહેશે નહીં, માત્ર કેશ ઓન ડિલીવરી પેમેન્ટ હોવાથી તમારી પાસે કોઈ એક રકમની માંગણી કરી પાર્સલ સ્વીકારી લેવા વિનંતી કરશે. જ્યારે તમે કહેશો કે મેં કોઈ ઓર્ડર કર્યો જ નથી, હું શા માટે પાર્સલ સ્વિકારૂં. ત્યારે કુરિયરમેન તમને પહેલાં તો આગ્રહ કરશે, પછી વિનંતીના સ્વરમાં એવું કહેશે કે અમારી તો ડ્યુટી છે, તમારે પાર્સલ ન જોઈતું હોય તો આ એક નંબર આપું છું, તેના પર ઓર્ડર કેન્સલ કરાવી લો. જો તમે આવું કર્યું તો કુરિયરમેન પોતે કસ્ટમર કેરનું કહી ક્યાંક ફોન કરશે અને થોડી વારમાં તમારા નંબર પર એક OTP આવશે અને કુરિયરમેન આ OTP માંગશે. જો તમે તેને OTP આપી દીધો, તો સમજી લો તમારૂં બેન્ક એકાઉન્ટ સાફ થવા લાગશે.

આવા કેસોમાં હાલ સતત વધારો થઈ રહ્યો હોવાથી પોલીસે જાહેર ચેતવણી જારી કરી લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. પોલીસ કહે છે કે જો તમારી સાથે આવું બને તો શક્ય હોય તો કુરિયરમેન સાથે વધુ વાત કરવી નહીં અને તેને રવાના કરી દેવો. તે છતાં પણ જો તમે થોડી પ્રક્રિયા કરી લો છે અને તમારા મોબાઈલ નંબર પર OTP આવી ગયો છે, તો તેને કોઈપણ સંજોગોમાં કુરિયરમેનને આપવો નહીં કે અન્ય ક્યાંય પણ શેર કરવો નહીં.

પ્રજા આવા ફ્રોડમાં નહીં ફસાય તે માટે પ્રયત્નશીલ છે જ. છતાં પણ જો તમે આવા કોઈપણ પ્રકારના ફ્રોડનો ભોગ બનો છો તો તુરંત જ NCCRP પોર્ટલ www.cybercrime.gov.in પર અથવા તો સાયબર હેલ્પલાઈન 1930 પર તુરંત આપની ફરિયાદ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો