સુરતમાં વિસર્જનની Guideline વિસરાઈ: શ્રીજીની પ્રતિમા કેનાલમાં રઝળી
સુરતમાં ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈને એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી અને આ ગાઈડલાઈન મુજબ નદી, તળાવ અને કેનાલમાં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે આમ છતાં પાંચ દિવસના ગૌરી ગણેશની પ્રતિમાનું વિસર્જન કેટલીક કેનાલમાં કરવામાં આવ્યું છે ત્યારે પાલનપોર કેનાલમાંથી ગણેશજીની રઝળતી પ્રતિમા મળી રહી છે.
સુરતમાં પાંચ દિવસના ગૌરી ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા 20 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા જેમાં પાંચ હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે કેટલાંક લોકોએ પોતાના શ્રીજીને ઘર આંગણે જ વિસર્જન કરી વિદાય આપી હતી. ત્યારે કેટલાંક લોકોએ પાલનપોર નજીકથી પસાર થતી કેનાલમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી દેતાં કેનાલમાંથી ગણેશજીની પ્રતિમા રઝળતી હાલતમાં મળી આવી છે જેને લઈને ભક્તોની લાગણી દુભાઈ છે અને શહેરમાંથી પસાર થતી કેનાલ પર દરિયા કિનારે બોર્ડ મુકાય તેવા બોર્ડ મુકવા સાથે જ પ્રતિમા વિસર્જન કરનારા પર પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.