October 30, 2024

48 દવાઓ માર્કેટમાંથી પાછી ખેંચાશે:નબળી ગુણવત્તા જવાબદાર

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના તપાસ રિપોર્ટમાં દેશમાં 48 દવાઓના સેમ્પલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ફેલ થયા છે. આ દવાઓને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ નબળી ગુણવત્તાન દવા જાહેર કરી છે. મોટાભાગની 2025 ની એક્સપાયરી ડેટ ધરાવતી આ દવાઓ બજારમાંથી ખેંચી લેવાનો આદેશ કરાયો છે. આ દવાઓમાં હાર્ટ ડિસીઝમાં વપરાતી દવા પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, ગયા મહિને દવાઓના કુલ 1497 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 48 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે.

જે કંપનીઓને દવા પાછી ખેંચવા જણાવાયું છે તેમાં કલોલ તાલુકાની આન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડની બાળકો માટેની કફસિરપ અને એમઓએલ-પીસીબી સિરપનો, સાબરકાંઠાની મેડિસ્કાય ફાર્માસ્યુટિકલની નાઈફેડિપાઈન સસ્ટેઈન રિલીઝ ટેબ્લેટ, સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી ગ્લેબેલા ફાર્મા પ્રાઈવેટ લિમિટેડની ડાઈક્લોગ્લોબ 50 ને તથા અંકલેશ્વરની નોરિસ મેડિસિન્સ પ્રાઈવેટ લિમિટેડની ટ્રાઈમેક્સ એક્સપેક્ટોરેન્ટને પણ નબળી જાહેર કરાઈ છે. 

CDSCO ના રિપોર્ટ અનુસાર, આ દવાઓમાં Lycopene Mineral Syrup, વિટામીન સી ઈન્જેક્શન, ફોલિક એસિડ ઈન્જેક્શન, આલ્બેન્ડાઝોલ, કૌશિક ડોક-500, નિકોટીનામાઈડ ઈન્જેક્શન, એમોક્સાનોલ પ્લસ અને અલ્સીફ્લોક્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ વિટામિનની ઉણપને દૂર કરવા, હાઈ બીપીને નિયંત્રિત કરવા, એલર્જી અટકાવવા, એસિડ કન્ટ્રોલ અને ફૂગના ચેપને દૂર કરવા માટે થાય છે. આ દવાઓમાં એક જાણીતી કંપનીની ટૂથપેસ્ટનો પણ સમાવેશ થાય છે.

જે દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે તેને લઈને ફાર્મા કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. તમામ દવા નિરીક્ષકોને ફાર્મા કંપનીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *