સુરતના ગ્રીનમેનનું ટ્રી ગણેશ કોન્સેપ્ટ્સ સાથેનું અનોખું સ્વચ્છતા અભિયાન
સુરતમાં ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ છેલ્લાં છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની સ્થાપના કરે છે જ્યાં દસ દિવસ સુધી ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા હજારો વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા, પર્યાવરણના જતન-સંવર્ધન અંગે સંવાદ સાધી જ્ઞાન આપવામાં આવે છે.
દર વર્ષે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની થીમ માટે જાણીતા ‘ટ્રી ગણેશા’ની આ વર્ષની થીમ છે ‘અમૃત્તપથ’. આ થીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં દસ વર્ષોમાં પર્યાવરણ સંદર્ભે જે પગલાં લેવાયા છે, એ વિશે વિદ્યાર્થીઓને અને પર્યાવરણપ્રેમીઓને માહિતી આપવામાં આવે છે. ‘ટ્રી ગણેશા’ના પંડાલમાં એક મોટા વૃક્ષની ડાળીઓમાં ગણેશજીને સ્થાપિત કરવામાં આવ્યા છે.
મુખ્ય મંચ પાસેના હોર્ડિંગ પર ‘સેફ ઈન્ડિયા, ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા’ લખવામાં આવ્યું છે અને ૩૬૦ ડિગ્રીએ સ્વચ્છતાને મહત્વ આપી માત્ર જમીનની જ નહીં, પરંતુ પાણી, હવા અને ગ્લોબલ ક્લાઈમેટની સ્વચ્છતા પર પણ ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બંને તરફથી દીવાલો પર ભારત સરકારે છેલ્લાં દસ વર્ષોમાં કરેલા પર્યાવરણીય અને સ્વચ્છતાના કાર્યની વિગતો વિસ્તૃત આંકડાકીય માહિતી સાથે મૂકવામાં આવી છે. જેમાં ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’થી લઈ ‘નેશનલ ક્લિન એર પ્રોગ્રામ’ તેમજ ‘મિશન લાઈફ’ જેવી કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓની ઝાંખી કરાવવામાં આવી છે.
આ અનોખા ટ્રી ગણેશના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યાં છે અને તેમના કોન્સેપ્ટના વખાણ કરી રહ્યા છે.