November 24, 2024

તાપીમાં પાણીની આવક વધતા તંત્ર સતર્ક: પ ફલડ ગેટ કરાયા બંધ

પાલિકાના અધિકારીઓેએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

રેવાનગરના ૧૧ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓનું સ્થળાંતર

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા

સુરતઃસોમવારઃ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉપરવાસમાં વરસી રહેલાં વરસાદને પગલે ઉકાઈડેમ છલકાઈ જવાની અણી પર હોવાથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આજ રોજ મેય દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીકલાબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા અને સ્થાનિક મ્યુ. સદસ્યો અને અધિકારીઓએ રાંદેર ઝોન વિસ્તારના હનુમાન ટેકરી, રેવા નગર, અડાજણ ખાતે અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના ધાસ્તીપુરા સ્થિત ફલડગેટની સ્થળ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં ઉકાઇ ડેમમાંથી ગઇકાલે ર.૮૯ લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા રેવાનગર ખાતે ભરાયેલા પાણીની સમસ્યા અંગે સ્થાનિકો પાસેથી માહિતી મેળવી હતી.


ઉકાઇ ડેમમાંથી ગઇકાલથી તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઇ છે, જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારના કુલ પ ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તાપી નદી કિનારેથી નીચાણવાળા વિસ્તારોના સ્થાનિક રહીશોને સલામતીપૂર્વક સ્થળાંતર કરાવાયુ છે. જે પૈકી રેવાનગરમાં રહેતા ૧૧ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.


ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી તથા ફલડ ગેટનું મનપા તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મનપાની ટીમ મારફત નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડપેકેટ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધા સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે તાપી નદી કિનારાના વિસ્તારોમાં અવર-જવર ટાળવા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો