મૃત પિતાની સંપત્તિમાં છૂટાછેડા લીધેલ પુત્રી હકદાર નહીં:દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટ દ્વારા હાલમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં કહ્યું છે કે અપરણિત કે વિધવા પુત્રી પોતાના મૃત પિતાની સંપત્તિમાં હકદાર હોય છે પરંતુ છૂટાછેટા લીધેલા હોય તેવી પુત્રી પર તે લાગૂ થતું નથી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આ ચુકાદા અંગે કહ્યું કે, છૂટાછેડા લીધેલી પુત્રી ભરણ પોષણ માટે પિતા પર નિર્ભર હોતી નથી આ માટે તે પતિ પર આશ્રિત હોય છે. તે પોતાના હક સાથે ભરણપોષણ ભથ્થુ માંગવા માટે કાયદાનો સહારો લઈ શકે છે.
દિલ્હી હાઈકોર્ટે એક તલાકશુદા મહિલાની અપીલને ફગાવતા આ ટિપ્પણી કરી હતી, જેણે ફેમિલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. દિલ્હીની ફેમિલી કોર્ટે મહિલાને માતા અને ભાઈ પાસેથી ભરણ પોષણ ખર્ચ આપવાની ભલામણ કરતી તેની અરજી ફગાવી દીધી હતી.
દિલ્હી હાઈકોર્ટે મહિલાની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે અપરણિત દીકરી કે વિધવા દીકરી પાસે પરિજનો પાસેથી ભરણપોષણ તથા સંપત્તિમાં ભાગ લઈને જીવન વિતાવવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. જ્યારે ડિવોર્સ્ડ પુત્રી પાસે તેના પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવાનો હક હોય છે. ન્યાયમૂર્તિ સુરેશકુમાર કૈત અને ન્યાયમૂર્તિ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે ભરણપોષણનો દાવો હિન્દુ દત્તક ગ્રહણ અને ભરણપોષણ અધિનિયમની કલમ 21 હેઠળ કરાયો છે જે એવા આશ્રિતો માટે છે જે ભરણ પોષણનો દાવો કરી શકે છે.
ભરણપોષણનો અધિકાર આ અધિનિયમની કલમ 21માં સંબંધીઓની નવ શ્રેણીઓ માટે ઉપલબ્ધ કરાયો છે. જેમાં ડિવોર્સ્ડ પુત્રીનો ઉલ્લેખ નથી. અત્રે જણાવવાનું કે અરજીકર્તા મહિલાના પિતાનું 1999માં મોત થયું હતું. મહિલાનો દાવો છે કે તેની માતા અને ભાઈએ તેને દર મહિને 45000 રૂપિયા આપવાનો વાયદો એ શરત પર કર્યો હતો કે તે સંપત્તિમાં તેનો ભાગ માંગશે નહીં. મહિલાએ વધુમાં કહ્યું કે તેને માતા અને ભાઈએ નવેમ્બર 2014 સુધી નિયમિત ભરણપોષણનો ખર્ચો આપ્યો હતો. જો કે,મહિલાના પતિએ સપ્ટેમ્બર 2001માં એકતરફી તલાક આપી દીધા અને તે પતિ પાસેથી કોઈ ભરણપોષણ ભથ્થું લઈ શકી નહીં.