સુરતમાં પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરવાનું કહેતાં પ્રેમીએ રહેંસી નાખી
સુરતમાં ગ્રીષ્માકાંડને હજુ લોકો ભુલ્યા નથી ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમી દ્વારા પ્રેમિકાની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. 3 વર્ષથી પ્રેમસંબંધમાં જોડાયેલાં પ્રેમીએ જ પ્રેમિકાની જાહેરમાં હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટનાની વિગતે વાત કરીએ તો,સચિનના તલંગપુર વિસ્તારમાં આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં 20 વર્ષીય નીલુ ગુલાબશંકર વિશ્વકર્મા પરિવાર સાથે રહેતી હતી. સોસાયટીમાં જ રહેતા 20 વર્ષીય શૈલેષ વિશ્વકર્મા સાથે નીલુને પ્રેમસંબંધ હતો. બંને એક જ ગામનાં વતની છે તેમજ છેલ્લાં ત્રણ વર્ષથી શૈલેષ નીલુના પ્રેમમાં હતો અને તે નીલુ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, જોકે નીલુએ અન્ય યુવક સાથે લગ્નની વાત કરતાં શૈલેષ ઉશ્કેરાઈ ગયો હતો અને નીલુ તેના ઘરની બહાર હતી તે દરમિયાન શૈલેષ ધસી આવ્યો હતો અને અચાનક જ ચપ્પુ લઈને નીલુ પર તૂટી પડ્યો હતો અને ચપ્પુના ઘા મારી જાહેરમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જો કે, સોસાયટીમાં જ પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપી પ્રેમી શૈલેષ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.