15મી સપ્ટેમ્બર સુધીમાં પેટ્રોલ-ડીઝલની ટાંકી ફૂલ કરાવી લેજો
પેટ્રોપ પંપના કમિશનમાં વધારો ન થતા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને લીધો નિર્ણય
ગુજરાતભરના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે
ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકો ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે રોષે ભરાયા છે અને તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. જો ગુજરાતના પેટ્રોપ પંપ સંચાલકોની માંગ પૂરી નહિ થાય તો આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી શકે છે.
ઉલ્લેખનિય છે કે, મધ્ય ગુજરાતના 650 પેટ્રોલ પમ્પ ત્રણ કંપની 2 ડેપો પરથી દરરોજ 1 કરોડ લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉઠાવે છે જેથી 15 મીએ પેટ્રોલિયમ કંપનીઓને 96 કરોડનો ફટકો પડશે. સંચાલકોનું કહેવું છે કે, ”6 વર્ષથી અમારા કમિશનમાં વધારો કર્યો નથી અને હાલ પેટ્રોલમાં 3.10 પૈસા અને ડીઝલમાં 2.3 પૈસા આપવામાં આવે છે. છેલ્લું કમિશન 1 ઓગસ્ટ 2017 ના રોજ આપવામાં આવ્યું હતું. દર 6 મહિને જાન્યુઆરી અને જૂનમાં કમિશનમાં વધારો આપવા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કંપનીઓ દ્વારા 4 નવેમ્બર 2016ના રોજ લેખિત બાંહેધરી આપવામાં આવી હતી જેથી 15 સપ્ટેમ્બરના સાંકેતિક વિરોધને જો સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો આગામી 1 લી ઓક્ટોબરથી પેટ્રોલ પમ્પ સંચાલકો પેટ્રોલ પંપના કલાકો અને સ્ટાફ ઘટાડવાની ચિમકી ઉચ્ચારી દીધી છે.