સુરતમાં 10 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા:આરોપીની ધરપકડ
સુરત જિલ્લામાં કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તારીખ 8મીની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યાર બાદ શિવમના પિતા સુધીર કુમાર મહતોને ફોન કરી કરી રુપિયા 50 હજારની ખંડણી માંગીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે બીજા દિવસે ફોન કરી 15 લાખની માંગણી કરતાં બાળકના પિતા સુધીર કુમારે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી દેતાં જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને જિલ્લા પોલીસની 12 જેટલી ટીમો સાથે બાળકની શોધખોળ કરી રહી હતી. જે દરમ્યાન આજે 5 આરોપીઓ પૈકી ઉમંગ નામના આરોપીને પોલીસે સુરતના અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાઈ ગયેલાં આરોપી ઉમંગે શિવમની હત્યા કરી હોવાની હોવાની કબૂલાત કરી હતી અને મૃતદેહને કામરેજના ઉંભેળ ગામની સીમમાં અવાવરું જગ્યાએ ઝાડીમાં છુપાવી દીધો હોવાનું જણાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી સોનુ અને મોનું બંને ભાઈઓ છે અને બાળકના ઘર પાસે જ રહેતા હતા તેમજ આ બંને આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાનો ગુનો નોંધાઈ ચુક્યો છે અને બંને સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈ બહાર ફરી રહ્યા છે. ઘટનાના દિવસે પણ બાળક શિવમને ઘરે છોડી દેવાનું કહી રિક્ષામાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા સમગ્ર વિસ્તારમાં સર્ચ કરી રહી છે ત્યારે બાળકના પરિવારજનો આરોપીઓને ઝડપથી ઝડપી લેવા માટે ચક્કાજામ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.