ગેસ સિલિન્ડરના ઉપયોગમાં રાખો સાવધાની:ગેસ લિકેજથી મહિલાનું મોત
ગેસ લિકેજના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે જો તમે ઘરમાં રસોઈ માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો સાવચેતી રાખવી ખુબ જ જરુરી છે નહિ તો મહામુલી જીંદગી ગુમાવવાનો વારો આવી શકે છે. આવી જ એક ઘટના બની છે સુરતના માંડવી ખાતે જેમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગતાં મહિલા સહિત બે જણાં દાઝી ગયા હતા જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ, માંડવીમાં બેડી ફળિયામાં રહેતાં 45 વર્ષીય હંસાબેન ધનસુખભાઈ ચૌધરી એ ગત રોજ ગેસ કંપનીમાં બુક કરાવેલો સિલિન્ડર ઘરે આવ્યો હતો અને એ દરમિયાન ઘરે મહેમાન આવ્યા હતા. જોકે મહેમાનોએ ચા પીવાની ના પાડી હતી. જેથી ત્યારે ગેસ સિલિન્ડર જોડ્યો ન હતો અને મહેમાનો ગયા બાદ સિલિન્ડર જોડવા જતાં સિલ ખોલ્યું ત્યારે લીકેજ હતું અને બધો ગેસ બહાર આવવા લાગ્યો હતો જેથી તેમણે ગેસ સિલિન્ડરનું સિલ બંધ કરવા પ્રયાસ પણ કર્યો હતો. જોકે બંધ ન થયું ને જોતજોતામાં તો આગ લાગી ગઈ હતી. જેમાં હંસાબેન અને તેમના સંબંધીનો દીકરો પ્રકાશભાઈ દાઝી ગયા હતા. જેથી બંનેને માંડવીમાં આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા. જ્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે 100 ટકા દાઝી ગયેલા હંસાબેનનું ટુંકી સારવાર દરમિયાન જ મોત થયું હતું. જ્યારે પ્રકાશની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.