November 22, 2024

હવેથી રાજકોટમાં વાલીઓ શાળામાં ટૂંકા કપડાંમાં નહિ પ્રવેશી શકે

શાળાએ શિક્ષણનું ધામ છે. આપણા બાળકો ત્યાંથી જ શિક્ષાના પાઠ શીખીને આગળ વધે છે અને બાળકોને આગળ વધારવા માટે માતાપિતા પણ તનતોડ મહેનત કરતાં હોય છે અને આ લ્હાયમાં તેને શાળાએ લેવા અને મુકવા જવાની જવાબદારી પણ પોતે જ નિભાવતા હોય છે. જો કે, આ દોડાદોડી કે પછી ફેશનની દેખાદેખીમાં વાલીઓ શાળામાં બાળકોને લેવા કે મુકવા જતી વખતે ક્યારેક નાઈટડ્રેસ કે ટૂંકા અને અશોભનિય કપડાં પહેરીને જ શાળાએ પહોંચી જતાં હોય છે. ત્યારે હવે રાજકોટમાં વાલીઓને શિસ્તમાં રાખવા માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પહેલીવાર એવુ થશે કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે નહિ, પરંતુ તેમના વાલીઓ માટે નિયમો મૂકવામાં આવ્યા છે. હવેથી રાજકોટની શાળાઓમાં ટૂંકા વસ્ત્ર પહેરીને વાલીઓ સ્કૂલમાં બાળકોને મુકવા કે લેવા નહીં જઈ શકે.

રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે હવે નિયમો બનાવ્યા છે. જે મુજબ, ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ પણ વાલીઓ બાળકોને મૂકવા કે લેવા નહીં જઈ શકે. સાથે જ નાઈટ ડ્રેસ કે બરમુડા જેવા કપડા પહેરીને ન આવવા તાકીદ કરાઈ છે. નિયમ તોડનાર વાલીને શાળામાં પ્રવેશ નહીં મળે. શિસ્ત ભંગ કરતા કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. રાજકોટની તમામ શાળાઓમાં આ નિર્ણય લાગુ થશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *