તમિલનાડુમાં મદુરાઈ એક્સપ્રેસમાં આગ: 9 પ્રવાસીઓ ભૂંજાયા
લખનઉથી રામેશ્વર જતી ટ્રેનમાં ભીષણ આગ
10 લોકો બળીને ભડથુ, 20થી વધારે ઘાયલ
મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના ઉત્તર પ્રદેશના
કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હોવાની શંકા
તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારની વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક યાત્રી ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી 9 જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
દુર્ઘટના અંગે જાણવા મળતી વિગત પ્રમાણે તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી પુનાલુર મદુરાઈ એક્સપ્રેસમાં ઘડાકાભેર આગ લાગી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે તેમજ 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવાઈ રહ્યુ છે કે, મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. સીતાપુરની એક ટ્રાવેલ એજન્સીએ આ કોચનું થર્ડ પાર્ટી બુકિંગ કરાવ્યું હતું. તેમાં 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને આ આગની ઘટનાની જાણકારી વહેલી સવારે 5.15 વાગ્યે મળી હતી જેથી ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી. દક્ષિણ રેલવેનું કહેવું છે કે, ટ્રેનના પ્રાઈવેટ પાર્ટી કોચમાં આ મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જઈ રહ્યા હતા અને તેથી જ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પથરાયેલી વસ્તુઓમાં સિલિન્ડર અને બટાકાની થેલીઓ અને રસોઇની અન્ય સામગ્રી પણ મળી આવી હતી. જેના કારણે અનુમાન છે કે પેસેન્જર કોચમાં રસોઈ બનાવી રહ્યાં હતા. મદુરાઈના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પુષ્ટિ કરતા કહ્યું કે 9 લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે જેમને મદુરાઈની ગવર્મેન્ટ રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.