ચેતવણીરૂપઃ ઝઘડિયામાં નર્મદા નદીમાં મગરના હુમલાથી પશુપાલકનું મોત
- પશુઓને પાણી પીવા લઈ ગયા હતાં અને ખાસ્સા સમય સુધી બહાર નહીં આવતાં તેઓ જાતે નદીમાં પોતાના ઢોરોને બહાર કાઢવા ઉતર્યાં હતાં
- મગરે પગથી નદીમાં ખેંચ્યા, બૂમરાણથી ગામલોકોએ આવી આધેડને છોડાવ્યા, પરંતુ ગંભીર ઈજાઓએ જીવ લઈ લીધો
માનવી પણ એક પ્રાણી જ છે પરંતુ તેનું મગજ વિક્સિત હોવાથી તેણે પોતાની જાતને માનવી તરીકે વર્ગીકૃત કરી અન્ય જીવોને પશુ-પક્ષી જેવી વિવિધ જાતોમાં ધકેલી દીધાં છે. અલબત્ત આજના નવા યુગમાં માનવીએ વન્ય કે શહેરી-ગ્રામ્ય પશુ-પક્ષીઓ માટે લાગણી કેળવી છે, પરંતુ જંગલી જીવોને એવી સમજ ક્યાંથી હોય? છેલ્લાં ઘણાં સમયથી માણસો પર પશુઓના હુમલાની ઘટનાઓ વધી છે. જેમાં ગ્રામિણ કે શહેરી વિસ્તારોમાં કૂતરાના હુમલા, જંગલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા, વાઘ, સિંહ જેવા પ્રાણીઓના હુમલાથી ચિંતા વધી છે. તો હવે નદીમાં મગરના હુમલા પણ દહેશત ફેલાવી રહ્યાં છે.
ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે 50 વર્ષીય પશુપાલક વિનુભાઈ વસાવા પોતાના ઢોરોને પાણી પીવડાવવા માટે નર્મદા નદીમાં લઈ ગયા હતાં. કિનારે ખાસ્સી રાહ જોયા બાદ પશુઓને બહાર કાઢવા વિનુભાઈ નદીમાં ઉતર્યાં, ત્યારે એક મગરે હુમલો કરી તેમનો પગ કરડી લીધો હતો અને તેમને નદીમાં ખેંચવાનું શરૂ કર્યું હતું. પાણીની ધબધબાટીનો તેમજ વિનુભાઈની બચાવોની બૂમો સાંભળી ગામલોકો ત્યાં દોડી આવ્યા હતાં અને વિનુભાઈને ખાસ્સી જહેમત બાદ મગરના મ્હોંમાંથી છોડાવ્યા હતાં. સારવારાર્થે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતાં પરંતુ તેમનું તે પૂર્વે જ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારોના અનેક ગામોમાં મગરો દેખાવા શરૂ થયા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ મગરોની સંખ્યા ખાસ્સી વધી છે. માંસાહારી મગરો ક્યારેક ગામોમાં તો ક્યારેક પૂરના પાણી સાથે શહેરોમાં લોકોના ઘરો સુધી પહોંચી જતાં ભય ફેલાઈ રહ્યો છે. અલબત્ત ભારતમાં વન્ય જીવો માટે વિશેષ કાયદાની જોગવાઈ છે, ત્યારે માણસોએ જ કાળજી રાખવી જરૂરી બની છે.