હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહી: સોલનમાં વાદળ ફાટતા 7નાં મોત
સોલન જિલ્લાની ધવલા ઉપ તહસલીના ગામ જાદોનમાં વાદળ ફાટવાની દુખદ ઘટનામાં 7 લોકોના જીવ ગયા
હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વિટ કરીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી
હિમાચલ પ્રદેશમાં ફરીથી વરસાદે તબાહી મચાવી છે.હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગૂમ થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે સીએમ સુખવિંદર સિંહ સુખુએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મદદ માટે તમામ નિર્દેશ આપવાની વાત કરી છે. હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર લેન્ડસ્લાઈડ અને પૂરનો સિલસિલો યથાવત છે ત્યારે લોકો આવનારી આફતના કારણે ડરી રહ્યા છે.
આ ઘટના પર હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વીટ કરીને કહ્યું છે કે સોલન જિલ્લાની ધવલા ઉપ તહસલીના ગામ જાદોનમાં વાદળ ફાટવાની દુખદ ઘટનામાં 7 લોકોના જીવ ગયા જે જાણીને ખુબ દુખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ છે અને આ કપરાં સમયમાં અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ તેમજ અમે અધિકારીઓને આ મુશ્કેલ સમયમાં પ્રભાવિત પરિવારોને દરેક શક્ય મદદ અને સપોર્ટ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યો છે.