પાકિસ્તાનમાં આતંકી હુમલો: 4 ચીની એન્જિનિયરો સહિત 13ના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રવિવારે ચીની એન્જિનિયરો પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 4 ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જો કે, પાકિસ્તાન સરકાર અને સેના તરફથી હજુ સુધી મૃત્યુ પામેલા લોકો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી ત્યારે બલૂચ લિબરેશન આર્મી આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
આ આતંકવાદી સંગઠનોએ દાવો કર્યો છે કે ગ્વાદરમાં આજના હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સેનાના જવાનો સહિત 13 લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનિય છે કે, ગ્વાદર એ જગ્યા છે જ્યાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના કેટલાંક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.
BLAના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે, BLA મજીદ બ્રિગેડના બે ‘ફિદાયીન’એ આજે ગ્વાદરમાં ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવ્યું હતું. તેણે આ હુમલાને આત્મ-બલિદાનવાળું ઓપરેશન’ ગણાવ્યું હતું. આ ઓપરેશનને સફળતાપૂર્વક સમાપ્ત કર્યા પછી, BLA લડવૈયાઓએ પોતાને ગોળી મારી દીધી હતી. ધ બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલો સવારે લગભગ 9.30 વાગ્યે થયો હતો અને લગભગ બે કલાક સુધી ભીષણ ગોળીબાર ચાલ્યો હતો. જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે.