October 30, 2024

આજે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે:સુરત સિવિલમાં પ્રથમવાર બે ફેફસાનું અંગદાન

સુરતઃ આજે 13 ઓગષ્ટના રોજ વિશ્વમાં ઓગર્ન ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર ભારતમાં સૌથી ઝડપી ઓર્ગન ડોનેશનમાં અગ્રેસર રહી છે. આજની ફસ્ટ અને આધુનિક લાઈફ સ્ટાઈલમાં ઓર્ગન ફેલ્યોરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ઓર્ગન ફેલ્યોરના જે દર્દીઓને અંગદાન મળે છે તેઓને નવજીવન મળ્યા બરાબર જ ગણાય છે. આવા દર્દીઓને રાહત મળે એ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવે છે જેને પરિણામે આજે ૪૦માં સફળ અંગદાનથકી વિશ્વ અંગદાન દિનની સાચા અર્થમાં ઉજવણી થઈ શકી છે. આજરોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતેથી અશરફીલાલ બંશધારી પાલના બે કિડની, બે ફેફસાં અને એક લિવરનું દાન સ્વીકારાયું હતું. જેમાં બે ફેફસાંનું સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર દાન થયું છે. આમ પાંચ અંગોથી પાંચ વ્યકિતને નવજીવન મળશે.
મૂળ અલ્હાબાદના રૌહા જોકાનાઇ કર્ચના રહેવાસી ૫૫ વર્ષીય અશરફીલાલ બંશધારી પાલ ઇચ્છાપોરમાં ટાસ્ક કંપનીમાં સિક્યુરીટીગાર્ડનું કામ કરતા હતા. ગત તા.૯મી ઓગષ્ટના રોજ રાત્રીના ૧૧.૩૫ વાગે તેઓ રૂમમાં બેભાન હાલતમાં મળી આવતા તેમને ૧૦૮ એમ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તા.૧૨મીના રોજના રોજ રાત્રીએ તેમની તબિયત વધુ લતડતાં ન્યુરો ફિઝિશીયન જય પટેલ, ન્યુરો સર્જનમાં કેયુર પ્રજાપતિ તથા RMO ડો.કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
તેમના પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતુ, જેથી અન્યને નવું જીવન મળતું હોય તો સ્વ.અશરફીલાલના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તૈયારી દર્શાવી હતી જેથી આજે બન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારી અંગોને ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ તથા ફેફસાને કે.ડી હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આજે અંગદાન સમયે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલે હાજરી આપી પરિવારજનોને સાંત્વના સાથે આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત અંગદાન ચેરટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લ્ખનિય છે કે, સુરત નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ડોકટરોના સધન પ્રયાસોના કારણે છેલ્લા ૧૦ મહિનામાં ૪૦ અંગદાન નોંધાયા છે. જેમાં ૭૨ કિડની, ૩૨ લિવર, ૩ હદય, ૧ સ્વાદુપીડ, ૪ આંતરડા, ૭ હાથ, ૧૪ આંખનોસમાવેશ થાય છે જ્યારે આજે પ્રથમવાર બે ફેફસાંનું દાન સ્વીકારાયું છે. આમ કુલ ૧૩૫ અંગોનું દાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *