October 30, 2024

લંપટ ભૂવાની કરતૂત, મહિલાને બામ લગાડ્યો… ને ત્રણ વર્ષ ભોગવી

  • દીકરીના ઉછેરમાં પરોવાયેલી ત્યક્તા મહિલાનું જીવન નર્ક બનાવી દીધું, ફોસલાવી, ધમકી આપી શરીરસુખ માણ્યું
  • ચાર વખત ગર્ભપાત કરાવ્યો, ધરાયો એટલે મહિલાને છોડીને નાસી છૂટ્યો, ફોન બંધ, ફરિયાદ થતાં પોલીસ કાર્યવાહી ચાલુ

મોડાસા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિથી છૂટાછેડા લીધાં બાદ પોતાની પુત્રીના ભણતર, ઉછેર માટે મોડાસા ખાતે રહેતી 38 વર્ષીય મહિલાને એક અકસ્માત બાદ માથાનો દુઃખાવો વેરી બન્યો હતો. ઘણાં ઈલાજ છતાં સારૂં ન થતાં તેની એક સહેલીએ તેને ભૂવાનો સંપર્ક કરાવ્યો હતો. વાતવાતમાં માતાજીનું નામ લેતા ભરત જયમલ રબારીએ ભૂવા તરીકે મહિલાને દોરો બાંધી આપ્યો હતો અને મહિલાની મનોસ્થિતિ ભાપી તેની નજીક જવા પ્રયાસ કર્યો હતો. એક વખત તેને ગાડીમાં ઘરે મુકવા ગયો અને કહ્યું કે તને માથું દુખે છે ને, લાવ વિક્સ લગાડી આપું. મહિલા સૂતી અને ભૂવાએ કપાળે બામ લગાડ્યું. પણ જ્યારે મહિલાની આંખ ખુલી ત્યારે તેના શરીરે એકેય કપડાં ન હતાં. ભૂવાએ કહ્યું કે લીંબુની વિધિ કરવા માટે તેણે કપડાં ઉતાર્યા હતાં.

ત્યારબાદ અનેક વખત મહિલાને ફોસલાવીને શરીરસુખ માણ્યું. મહિલા ભૂવાની વાતમાં આવી જતી હતી પરંતુ તેને કંઈક અજુગતાનો પણ અહેસાસ હતો. મહિલાએ લગ્નની જીદ પકડતાં ભૂવાએ તેની સાથે સાદાઈથી લગ્ન કર્યાં અને મહિલાને ભોગવવાની ચાલુ રાખી. ચારેક વખત ગર્ભપાત પણ કરાવ્યો પરંતુ તબીબી પ્રશ્નો ઉભા થતાં ભૂવો ગભરાયો હતો. બીજી તરફ મહિલાએ જીદ પકડી હતી કે પત્ની તરીકે તું મને તારા ઘરે લઈ જા. જેથી એક દિવસ મહિલાને ઊંઘતી મુકીને ભૂવો નાસી છૂટ્યો હતો. તેનો ફોન પણ સતત બંધ રહેતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત થયાનો અહેસાસ થયો હતો.

જેથી તેણે મોડાસા પોલીસનું શરણ લીધું છે અને લંપટ ભૂવા સામે ફરિયાદ કરતાં પોલીસે ભૂવા ભરત જયમલ રબારી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોતાના જીવનના અંગત પ્રશ્નો લંપટ ભૂવા જેવા લોકો સામે ખોલતાં પૂર્વે લોકોએ ચેતવા જેવો આ બનાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *