હિમાચલમાં બોલેરો ખીણમાં ખાબકતાં 6 જવાન સહિત 7ના કરૂણ મોત
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ટીસામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ટીસાથી બૈરાગઢ રોડ પરથી પસાર થઈ રહેલી બોલેરો ખીણમાં ખાબકતા બોલેરોમાં સવાર 6 પોલીસ જવાન સહિત 7 લોકોના કરુણ મોત થયા છે જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
આ તમામ ઘાયલોને ટીસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ બોલેરોમાં 9 પોલીસ કર્મચારી અને 2 સ્થાનિક લોકો સવાર હતા. 2-IRBn બટાલિયનના પોલીસ કર્મચારીઓ આ બોલેરોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બોલેરો સ્લિપ થઇ જતાં ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત તરવાઇ પુલ પાસે સર્જાયો હતો ત્યારે બોલેરો નીચે ખાબકતા કેટલાક લોકો બહાર ફેંકાઇ ગયા હતા જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી છે.
ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી સુખવિંદર સુખુ અને ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે ત્યારે મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના નજીકના સંબંધીઓને તાત્કાલિક રાહત આપવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ કર્યો છે.