November 23, 2024

સુરતની ખુબસુરતીમાં વધારો કરે છે ગોપીતળાવ

સુરત ખાણીપીણી,ડાયમંડ અને ટેક્સટાઈલ માટે તો જાણીતું છે જ, સાથેસાથે તે ભવ્ય ઐતિહાસિક ધરોહરનું પણ માલિક છે. સોનાની મુરત ગણાતાં સુરતમાં સદીઓ જુનો વારસો આજે પણ સચવાઈ રહ્યો છે જે આપણને તેની ભવ્યતાના દર્શન કરાવે છે. આવું જ એક સ્થળ છે,ગોપી તળાવ. તો આવો આજે સુરતની ખુબસુરતીમાં વધારો કરતાં ગોપીતળાવ વિશે જાણીએ, કેટલીક રસપ્રદ વાતો..
ઈ.સ.૧૫૧૦ની આસપાસ સુરતના તત્કાલીન સુબેદાર મલેક ગોપીએ ગોપી તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે રૂ.૮૫ હજારના ખર્ચે બનેલા અને ૫૮ એકરમાં ફેલાયેલ આ તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતાં. જેમાંથી ૧૩ બાજુએ તળિયા સુધી પહોંચી શકાય એવા પગથિયા વિનાનો ઢાળ હતો. ગોપીપુરા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક મહત્વને બરકાર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં ‘ગોપીકલા મહોત્સવ’ યોજવામાં આવે છે.
ગોપીતળાવ પર આવેલી ચતુર્મુખી વાવ: ૧૬મી સદીમાં સુરતને મળેલો ભવ્ય ઐતિહાસિક વારસો
મીર આલમશાહે ૧૭૧૮ની સાલમાં ગોપીતળાવના પથ્થરોને ઉપયોગમાં લઈ દુર્લભ કહી શકાય એવી ચતુર્મુખી વાવ બાંધી હતી. આ વાવ જર્જરિત થતાં ધીરજવાલ મથુરદાસ ગીનાતે સમારકામ કરાવ્યું હતું. ચતુર્મુખી વાવ પાણીની અછત દૂર કરવા માટે નહીં, પણ આ વાવ બનાવવાનો મુખ્ય હેતુ રસ્તા પરથી નીકળતા વટેમાર્ગુઓને પીવાના પાણીની સુવિધા આપવાનો હતો. એટલે જ મોટાભાગની રાહદારીઓની તરસ બુઝાવતી વાવ રસ્તા નજીક બાંધવામાં આવતી હોય છે. આ વાવ લગભગ અઢીસો વર્ષ પુરાણી હોય તેવું તેના બાંધકામ પરથી કહી શકાય. તો જો તમે આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાની ચુકી ગયા હો તો પરિવાર સાથે આજે જ મુલાકાત લો અને માણો તેના અદ્ભુત સૌંદર્યને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો