October 30, 2024

આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

  • હવામાનના જાણકાર અંબાલાલ પટેલે 25થી 30 જૂન સુધી મુશળધાર વરસાદ તેમજ કેટલાક સ્થળોએ નદીઓ બે કાંઠે વહે એટલો વરસાદ થવાની આગાહી કરી
  • હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદનો વર્તારો અપાયો, બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમ વરસાદ લાવશે, જો કે રેગ્યુલર ચોમાસુ હજુ થોડા દી છેટું

બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાત સહિત અનેક રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, ઉપરાંત રેગ્યુલર ચોમાસાને પણ અસર થઈ હોય એવું અનુમાન છે. સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં શરૂ થઈ જતું ચોમાસુ આ વખતે લંબાયું છે અને સંભવતઃ જૂનના અંતિમ દિવસો કે પછી જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં રેગ્યુલર ચોમાસુ બેસી જાય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન જ રાજ્યમાં ચોમાસા વિનાનો વરસાદ પાંચ દિવસ આવશે એવી આગાહી કરવામાં આવી છે.

વાતાવરણના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત સાથે જ આહવા, ડાંગ અને વલસાડ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઘણાં વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થશે અને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, એવું તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આજે અમદાવાદના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વડોદરામાં પણ સવારે વરસાદ થયો છે. વલસાડ, સુરત તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં હવામાન બદલાયેલું જોવા મળ્યું છે. પંચમહાલ ગોધરામાં તો વરસાદ મન મૂકીને વરસવા લાગ્યો છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આવું જ કંઈક અનુમાન આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી એક સિસ્ટમ તા. 25મીથી તા. 30મી સુધી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આપી શકે છે. અલબત્ત આ વરસાદ રેગ્યુલર ચોમાસાનો નહીં હોવાનું જણાવાયું છે અને આગામી સપ્તાહથી રેગ્યુલર ચોમાસુ ગુજરાતને કવર કરે તેવી આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *