November 22, 2024

સુરતના રાજમાર્ગ લાલગેટ ખાતે દબાણકર્તાઓનો પાલિકાની ટીમ પર હલ્લો

  • વ્યાપક ફરિયાદ બાદ પાલિકાની દબાણ ખાતાની ટીમે આવીને દબાણો દૂર કર્યાં પરંતુ દબાણકર્તાઓ દાદાગીરીથી સામાન પાછો લઈ ગયા
  • કોર્પોરેટર સંજય દલાલના પીએ પર પણ હુમલો થયાની વાતઃ શહેરનો રાજમાર્ગ પચાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે પોલીસનું ભેદી મૌન

છેલ્લા ઘણાં વર્ષોથી સુરત શહેરના રાજમાર્ગ એટલે કે રેલવે સ્ટેશનથી ચોક સુધીના વિસ્તારમાં દબાણની સમસ્યા વકરી ગઈ છે. વાહનચાલકો તો ઠીક રાહદારીઓ પણ યોગ્ય રીતે ચાલી શકે નહીં તેવું દબાણ રાજમાર્ગ પર થઈ ગયું છે. તેમાં પણ લાલગેટ અને ચૌટાપુલ વિસ્તારમાં તો સમસ્યા ઓર પણ વકરી છે. ત્યારે આજે વ્યાપક ફરિયાદોના સમાધાન માટે આવેલી પાલિકાની દબાણ ખાતાની ટીમ ઉપર પોલીસની હાજરીમાં જ દબાણકર્તાઓએ હલ્લાબોલ મચાવ્યું હતું અને ટ્રકમાંથી પોતપોતાનો સામાન લઈ ગયા હતાં.

કહેવાય છે કે દુકાનદારો ઉપરાંત સામાન્ય લોકોની ફરિયાદોના અનુસંધાનમાં સ્થાનિક કોર્પોરેટર સંજય દલાલના પીએ તેમજ પાલિકાની દબાણ ખાતાની ટીમ લાલગેટ વિસ્તારમાં બપોરના સુમારે દબાણો દૂર કરવા પહોંચ્યાં હતાં. રસ્તાની વચ્ચોવચ સુધી ફેલાયેલા પાથરણાં, સ્ટેન્ડ સહિતનો સામાન પાલિકાની ટીમે જપ્ત કર્યો હતો અને ટ્રકમાં લાદી દીધો હતો. જો કે દબાણકર્તાઓ વિફર્યા હતાં અને પાલિકાની ટીમ સાથે પોલીસની હાજરીમાં જ હલ્લાબોલ શરૂ કર્યું હતું.

દબાણકર્તાઓ એક પછી એક પાલિકાની ટ્રક ઉપર ચઢ્યાં હતાં અને જપ્ત કરેલો સામાન બળજબરીથી છોડાવી ગયા હતાં. કોર્પોરેટર દલાલના પીએ સાથે તેમજ પાલિકાના સ્ટાફ સાથે દબાણકર્તાઓએ હાથાપાઈ સુદ્ધાં કરી હતી અને આતંકનું વાતાવરણ ઉભું કરી નાંખ્યું હતું. જો કે નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઘટના સમયે પોલીસ ડરી ગઈ હોય તેમ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી.

આ ઘટનાના વીડિયો તેમજ ફોટા પણ વાઈરલ થઈ રહ્યાં છે. ત્યારે વર્ષોથી સુરતની પ્રજાને કનડી રહેલાં આ દબાણો પાલિકા અને પોલીસ ક્યારે દૂર કરશે તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. એટલું જ નહીં, દિન-પ્રતિદિન દબાણકર્તાઓની દાદાગીરી વધી રહી છે, જેના ઉપર પણ અંકુશ લાદવો જરૂરી બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો