RBL બેન્કના 128 ATMમાં છેડછાડ કરી રૂ. 3 કરોડથી વધુની ઉચાપત
- દેશભરમાં ઠગ ટોળકી સક્રિયઃ ડેબિટ કાર્ડનો ઢગલો લઈને જાય, ટ્રે પકડી રાખે અને એરર બતાવે એટલે કળા કરી રૂપિયા ઉપાડી લે
- સુરતના વરાછા સ્થિત RBL બેન્કના 128 ATMમાં પણ ઠગોએ ખેલ પાડ્યોઃ બે ચીટરો 34 ટ્રાન્જેક્સન કરી રૂ. 1.70 લાખ ઉપાડી ફરાર
દેશભરમાં RBL બેન્કને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક ઠગ ટોળકી સક્રિય થઈ છે અને RBL બેન્કના ATMને નિશાન બનાવી કરોડો રૂપિયાની ઉચાપત આચરી છે. અનેક શહેરોમાં આ ઠગ ટોળકીની કરતૂતો બહાર આવતાં પોલીસ ફરિયાદો શરૂ થઈ છે અને પોલીસે ચીટરોને પકડવા માટે દોડાદોડ પણ શરૂ કરી દીધી છે.
વાત એવી છે કે દેશભરમાં એક ઠગ ટોળકી RBL બેન્કના ATM પાછળ પડી ગઈ છે. શક્ય છે કે આ બેન્કના ATMની કોઈ ખામી શોધી કાઢી તેને નિશાન બનાવવું શરૂ કર્યું છે. પ્રાથમિક તબક્કે એવી વિગતો જાહેર થઈ છે કે દેશભરમાં 128 જેટલા ATMમાંથી આ ઠગ ટોળકીએ રૂ. 3 કરોડથી વધુની ઉચાપત કરી લીધી છે. મોડેસ ઓપરેન્ડી એવી જોવા મળી છે કે ચીટરો ઢગલેબંધ ડેબિટ કાર્ડ લઈને ATMમાં પ્રવેશે છે. કાર્ડને ટ્રેમાં નાંખવા સાથે તેને પકડી રાખે છે અને તેની સાથે જ ATMમાં એરર બતાવે છે. આ એરરના સમયગાળામાં ચીટરો કોઈપણ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.
સુરતના વરાછા વિસ્તારના RBL બેન્કના ATMમાં પણ આવી જ મોડેસ ઓપરેન્ડીથી ઉચાપત કરવામાં આવી છે. આ અંગે થયેલી પોલીસ ફરિયાદ મુજબ ગઈ તા. 5મી એપ્રિલની રાત્રીથી લઈને તા. 6ઠ્ઠી એપ્રિલની સવાર સુધી એટલે કે બારેક કલાકના સમયગાળામાં બે ચીટરો ATMમાં પ્રવેશ્યા હતાં. ઢગલેબંધ ડેબિટ કાર્ડના સહારે એરર ઉભી કરી તેમણે 34 ટ્રાન્જેક્શન કર્યાં હતાં અને રૂ. 1.70 લાખથી વધુની રોકડ ઉપાડી લીધી હતી.
અલબત્ત આ ચીટરોએ કયા ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા છે અને આવા ગ્રાહકોને બેન્ક કઈ રીતે વળતર આપશે તે પ્રશ્ન હવે ઉપસ્થિત થયો છે.