October 31, 2024

ટેમ્પો-ભંગાર ચોરતા ચીકલીગર ગેંગના 3ને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

  • ટેમ્પો-પીકઅપ વાન, 219 સેન્ટિંગની પ્લેટ્સ, મોબાઈલ સહિત રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્તઃ 10 ગુનાના ભેદ ઉકેલાયા
  • ટેમ્પો જેવા ફોરવ્હીલ ચોર્યા બાદ ભંગાર-બેટરીની ચોરી કરતાં અને વાહન બિનવારસી છોડી દેવાની મોડેસ ઓપરેન્ડી

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક નોંધપાત્ર કામગીરી અંતર્ગત માથાનો દુઃખાવો બનેલી ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોને દબોચી લીધાં છે. ડીસીબીની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન બાતમીને આધારે સચીન જીઆઈડીસી નાકા પાસેથી એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નં. જીજે 05 બીયુ 4757ને આંતરી તલાશી શરૂ કરી હતી. ટેમ્પોમાં લોખંડની સેન્ટિંગની પ્લેટો હતી અને તે ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. ટેમ્પોમાં સવાર મધુસીંગ ઉર્ફે અમરસીંગ તેજાસીંગ ટાંક (ઉ.વ. 65), દીપસિંગ ઉર્ફે દીપુ ગુજરાતસિંગ કલાની (ઉ.વ. 19) અને રોહિત સુધીર રમાણી (ઉ.વ. 18)ની પુછપરછ કરતાં તેઓ ચીકલીગર ગેંગના રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાંચના સૂત્રો મુજબ ત્રણેયની સઘન પુછપરછ કરતાં સુરતના વિવિધ પોલીસ મથકના 10 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે. જેમાં બે છોટા હાથી ટેમ્પોની ચોરી, બે ટાટા 407 ટેમ્પોની ચોરી, બોલેરો મેક્સી અને બોલેરો પીકઅપ, અશોક લેલેન્ડ સહિત 7 વાહનોની ચોરી, ફોર વ્હીલની 36 બેટરીની ચોરી તેમજ બે લોખંડની સેન્ટિંગ પ્લેટ્સની ચોરીના ગુનાનો સમાવેશ છે.

પોલીસે વધુમાં ઉમેર્યું કે આ ગેંગ વહેલી સવારે ભેસ્તાન આવાસથી નીકળતી અને ફોરવ્હીલ ટેમ્પા જેવા વાહનોનું લોક તોડી તેની ચોરી કરતી. ચોરીનું આ વાહન લઈને તેઓ ભંગાર તેમજ ફોરવ્હીલ બેટરીની ચોરી કરતાં. ચોરીના સામાનની રોકડી કરીને ચોરેલું વાહન તેઓ બિનવારસી છોડી દેતાં હતાં. પોલીસે તેઓ પાસેથી એક બોલેરો પીકઅપ, અશોક લેલેન્ડ ટેમ્પો, લોખંડની સેન્ટિંગની 219 પ્લેટ્સ અને મોબાઈલ મળી કુલ્લે રૂ. 5.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *