November 23, 2024

વધતાં કોરોનાને રોકવો કઈ રીતે? રાજ્યમાં વેક્સિનનો એકેય ડોઝ નથી!

  • રોજના 300ની આસપાસ નવા કેસોથી તંત્રની ચિંતામાં વધારોઃ કેન્દ્ર પાસેથી વેક્સિનના બે લાખ ડોઝ માંગ્યા
  • કેસ વધવા લાગતાં લોકો ફરી વેક્સિન માટે દોડતાં થયાં, પરંતુ રાજ્યભરમાં વેક્સિનેશન સંપૂર્ણપણે બંધ

ગુજરાતમાં છેલ્લા બેએક સપ્તાહથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહથી તો રોજેરોજ 300ની આસપાસ નવા કેસો નોંધાઈ રહ્યાં છે. પરંતુ આ વધતાં કોરોનાને રોકવા માટે રાજ્યમાં વેક્સિનનો છાંટોય બચ્યો નથી. ચોંકાવનારી હકીકત એવી સામે આવી છે કે વધતાં કોરોનાના કેસોને લઈને લોકો વેક્સિન માટે દોડતાં થઈ ગયા છે પરંતુ રાજ્યભરમાં વેક્સિનેશન સદંતર બંધ છે. એકેય શહેરમાં વેક્સિનનો એકેય ડોઝ ઉપલબ્ધ નથી, જેને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. એવી વિગતો સાંપડી રહી છે કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે તાકીદે વેક્સિનના બે લાખ ડોઝ મંગાયા છે, જેથી વેક્સિનેશન ફરી શરૂ કરી શકાય.

તાજેતરની સ્થિતિમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ જેવા નિયમો લોકોએ અભરાઈએ ચઢાવી દીધાં છે. આવા સંજોગોમાં કોરોનાથી બચવાનો એકમાત્ર યોગ્ય ઉપાય વેક્સિનેશન છે. પરંતુ વેક્સિનેશન સદંતર બંધ કરી દેવાયું છે. જેની પાછળનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે કોરોના અંકુશમાં હોવાથી વેક્સિનનું ઉત્પાદન પણ ઘટાડી દેવામાં આવ્યું હતું. જો કે હવે દેશમાં કોરોનાના 3000ની આસપાસ નવા કેસો સામે આવી રહ્યાં છે ત્યારે અનેક રાજ્યોમાં વેક્સિનની બૂમ શરૂ થઈ છે.

આરોગ્ય તંત્ર કોરોનાના વધતાં કેસો સામે સતર્ક છે. ઓક્સિજન, રેમડિસિવીર ઈન્જેક્શન તેમજ સારવારની અન્ય સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. પરંતુ કોરોનાને વધતો જ રોકવા કે તેની મારકતા ઘટાડવા માટે વેક્સિન અત્યંત મહત્વની છે. જેથી જ વેક્સિનનું ઉત્પાદન તુરંત વધારવામાં આવે અને રાજ્યોને પૂરતા ડોઝ સપ્લાય કરી વેક્સિનેશનની ગતિ વધારવામાં આવે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો