October 30, 2024

ભાજપના 60 હજાર કાર્યકરોને CPR ટ્રેનિંગ, હૃદયરોગમાં જીવ બચાવશે

  • સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજન
  • રાજ્યની 38 હોસ્પિટલોમાં 1200 જેટલા ટ્રેઈન્ડ ડોક્ટરો દ્વારા ટ્રેનિંગઃ હૃદયરોગના હુમલાથી લઈ સારવાર વચ્ચેના સમયમાં CPR મહત્વનું

ભારતીય જનતા પાર્ટીના ડોકટર સેલ દ્વારા આયોજીત સીપીઆર (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાનનો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર દિવસ દરમિયાન ૧૪૦ ડોકટરો દ્વારા ૩૦૦૦ તથા સ્મિમેર ખાતે ૨૭૦૦ જેટલા ભાજપના કાર્યકરોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં આજે ૩૮ હોસ્પિટલોમાં લગભગ ૧૨૦૦ જેટલા ટ્રેન્ડ ડોક્ટરો દ્વારા ૬૦ હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા અન્ય નાગરિકોને એક દિવસમાં આ ટ્રેનિંગ આપવાનું આયોજન હતું. સીપીઆરની ટ્રેનિંગ થકી તાત્કાલિક કોઈ વ્યક્તિ જેને હૃદયરોગના એટેક આવ્યો હોય અને હોસ્પિટલ લઈ જવાના સમય ગાળા વચ્ચેનો જે સમય હોય એમાં સીપીઆરની ટ્રેનિંગ લીધેલ વ્યક્તિ હાજર હોય તો સીપીઆરની સારવાર થકી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું કે, ડૉક્ટરો દ્વારા છેલ્લા અઢી વર્ષમાં વિશિષ્ટ પ્રકારની કામગીરી કરીને રાજયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્યના અભિયાનો સફળ બનાવ્યા છે. ડૉક્ટર સેલ અને અનેક ડોકટરો દ્વારા સમય આપીને કાર્યક્રમોને સફળ બનાવ્યા છે તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આજે સીપીઆર ટ્રેનિંગ કેમ્પ કરવામાં આવ્યો છે જે સમગ્ર રાજ્યમાં ૬૦ હજારથી વધુ લોકોને આ ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન છે, અત્યાર સુધીનો એક દિવસમાં ૨૬ હજાર લોકોને ટ્રેનિંગ આપવાનો રેકોર્ડ છે ત્યારે આજે ગુજરાતમાં રેકોર્ડ બને માટે આજે એક દિવસમાં ૬૦,૦૦૦થી વધુ લોકોને ટ્રેનિંગ આપવા પ્રયત્ન કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના બાદ અનેક કિસ્સાઓ જોયા છે જેમાં એટેક આવતા હોય છે અને સારવાર મળે એ વચ્ચેનો જે સમય હોય છે એમાં વ્યક્તિનો જીવ જવાની સંભાવના હોય છે તાત્કાલિક જો સારવાર મળી જાય તો વ્યક્તિનો જીવ બચી શકે એ માટે જ ડોક્ટરોએ આ કાર્યક્રમ થકી સીપીઆરની ટ્રેનિંગ લીધેલ વ્યક્તિ જો ત્યાં હોય તો તેને જે સારવાર આપશે જેના કારણે હોસ્પિટલ લઈ જવાના વચ્ચે જે ગેપ પડે છે એમાં સીપીઆર થકી એ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. કોરોના બાદ ઘણા લોકો ઓછી ઉમરના સશકત લોકો પણ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો પૂર્ણેશભાઈ મોદી, સંગીતાબેન પાટિલ, મનુભાઈ પટેલ, બીજેપી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડોક્ટર શિરીષભાઈ,સુરત મહાનગર મેડિકલ સેલના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિરેન્દ્રસિંહ મહિડા, સીપીઆર ટ્રેનિંગના પ્રમુખ ડોક્ટર પારૂલબેન વડગામા,માજી ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, આર.એમ.ઓ. ડૉ. કેતન પટેલ, ગુજરાત નર્સિગ કાઉન્સિલના શ્રી ઇકબાલ કડીવાલા, મેડીકલ કોલેજના ડીન ડૉ.ઋતુમભરા મહેતા, મેડિકલ વિભાગના અધિકારીઓ, ડોકટરો,કોર્પોરેટર શ્રીઓ,પદાધિકારીશ્રીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *