કોંગ્રેસે આચર્યો 48,20,69,00,00,000નો ભ્રષ્ટાચાર
- ભાજપે બહાર પાડ્યો ‘કોંગ્રેસ ફાઈલ્સ’ વીડિયો સીઝન-1 એપિસોડ-1, લોકસભા 2024ના કેમ્પેઈનની શરૂઆત
- સોનિયા ગાંધી અને મનમોહન સિંહના યુપીએ કાર્યકાળ ઉપર ફોકસ કરીને વિવિધ કૌભાંડોના ખુલ્લા આક્ષેપ
- જુઓ કોંગ્રેસ ફાઈલ્સ વીડિયોઃ https://twitter.com/i/status/1642353659714387969
લોકસભા ચૂંટણી 2024ને લક્ષમાં રાખીને ભાજપે આજે એક મોટું પગલું ભર્યું છે. દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ સામે કોંગ્રેસ ફાઈલ્સ નામે એક વીડિયો કેમ્પેઈનની શરૂઆત ભાજપે કરી દીધી છે. આજે રવિવારે ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસ ફાઈલ્સનો સીઝન-1 એપિસોડ-1 તરીકેનો પહેલો વીડિયો જારી કર્યો છે. જેમાં એવા ગંભીર આક્ષેપ કર્યા છે કે કોંગ્રેસે પોતાના કાર્યકાળ દરમિયાન રૂ. 48,20,69,00,000નો ભ્રષ્ટાચાર આચર્યો છે.
ત્રણ મીનિટના આ વીડિયોમાં મુખ્યત્વે સોનિયા ગાંધી અને મનમોહનસિંહને ફોકસ કરાયા છે. યુપીએના કાર્યકાળ દરમિયાન વિવિધ કૌભાંડોનો ઉલ્લેખ કરાયો છે. જેમાં મનમોહનસિંહની આગેવાનીવાળી સરકારમાં 2જી મામલો, કોલસા કૌભાંડ તેમજ રાષ્ટ્રમંડલ ખેલ પંક્તિ સહિત વિવિધ કૌભાંડોના ઉલ્લેખ છે. ટૂંકમાં ભાજપ દ્વારા જ્યારે આ વીડિયો ક્લિપને સીઝન-1 એપિસોડ-1 નામ અપાયું છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ ફાઈલ્સ હેઠળ વધુ ભ્રષ્ટાચારોના આક્ષેપો કરતાં વીડિયો બહાર પડાશે તેવું લાગી રહ્યું છે.
ભાજપ દ્વારા આ વીડિયો જારી કરાતાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. કારણકે કોંગ્રેસ યુપીએના શાસનકાળ દરમિયાન અનેક કૌભાંડો સપાટી ઉપર આવ્યા હતાં. ભાજપે એવો દાવો કર્યો છે કે આ કૌભાંડોની રકમનો ઉપયોગ જનહિત, દેશહિતમાં કરી શકાયો હોત. હાલ તો કોંગ્રેસ પણ આ વીડિયોથી સ્તબ્ધ છે, પરંતુ હવે ટૂંકમાં જ સામસામી આક્ષેપબાજી શરૂ થાય તેવું લાગી રહ્યું છે.
નોંધનીય છે કે કોંગ્રેસ સહિત 14 વિપક્ષ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને પગલે વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં રાજનીતિ વધઉ ગરમાય તેવી સ્થિતિ સર્જાઈ છે.