મોદીની ડિગ્રી જોવા માંગનાર કેજરીવાલને હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો
- કેજરીવાલે વડાપ્રધાનની ડિગ્રી જાણવા માટે માહિતી અધિકાર નિયમ હેઠળ અરજી કરી હતી
- ગુજરાત યુનિ.એ CICના આદેશને રદ્દ કરવા હાઈકોર્ટનું શરણ લીધું હતુંઃ ડિગ્રી જાહેર કરવી જરૂરી નથી તેવું તારણ
ગુજરાત હાઈકોર્ટે આજે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં વડાપ્રધાન મોદીની ડિગ્રી જાહેર કરવી જરૂરી નથી તેવો ચુકાદો આપ્યો છે. એટલું જ નહીં, માહિતી અધિકાર નિયમ હેઠળ ડિગ્રી જાણવા માંગતાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.
કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સામે પ્રશ્નો ઉભા કર્યાં હતાં. મોદીએ 1978માં ગુજરાત યુનિ.માંથી ગ્રેજ્યુએશન અને બાદમાં 1983માં દિલ્હી યુનિ.માંથી PG કર્યું હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ કેજરીવાલે આ સૂચનાને પડકારી હતી. એટલું જ નહીં, માહિતી અધિકાર નિયમ હેઠળ વડાપ્રધાન કાર્યાલય તેમજ CIC (ચીફ ઈન્ફર્મેશન કમિશનર)ને અરજી કરી હતી. જેમાં CICએ ગુજરાત યુનિ.ને મોદીની ડિગ્રીની કોપી જાહેર કરવા આદેશ કર્યો હતો. જેનાથી નારાજ થઈને ગુજરાત યુનિ.એ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ગુજરાત યુનિ. તરફે સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોઈની અયોગ્ય માગ પૂરી કરવા માટે કોઈ પણ માહિતી ન આપી શકાય. તેમણે કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તેની વડાપ્રધાનની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી. લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક નથી પડતો કે હોદ્દા પર બેસેલો વ્યક્તિ ડોક્ટર છે કે અભણ. આ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી.
કેજરીવાલે હાઈકોર્ટના નિર્ણય બાદ આકરી પ્રતિક્રિયા જાહેર કરી છે. તેમણે કહ્યું કે શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલું ભણેલા છે? શું તેમની ડિગ્રી જોવાની માગ કરનારને દંડ ફટકારવામાં આવશે? આ બધું શું થઈ રહ્યું છે? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.