October 30, 2024

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં દોષિતઃ બે વર્ષ સુધીની સજા થઈ શકે

  • બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? તેવા નિવેદન બદલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો
  • સુરતની કોર્ટે સુનાવણી પૂર્ણ કરી રાહુલ ગાંધીને ગુનેગાર જાહેર કર્યાંઃ કોર્ટ ટૂંકમાં જ સજા જાહેર કરશે

બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આવા વિવાદીત નિવેદન બદલ સુરતની કોર્ટે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યાં છે. 2019માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભા દરમિયાન રાહુલ ગાંધીએ આ વિવાદીત નિવેદન આપ્યું હતું. જેનાથી નારાજ થઈને સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાયને ચોર કહીને તેમની લાગણી દુભાવી છે.

સુરતની ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ કેસ શરૂ થયો હતો અને રાહુલ ગાંધી તરફે એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહ્યાં હતાં. 2021માં રાહુલ ગાંધીનું નિવેદન કોર્ટે નોંધ્યું હતું અને બંને પક્ષોની દલીલો ચાલી હતી. જેમાં ગત સપ્તાહમાં દલીલો પૂર્ણ થઈ હતી અને ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ એચ. એચ. વર્મા સાહેબે આજે એટલે કે તા. 23મી માર્ચના રોજ ચુકાદો જાહેર કરવાની તારીખ પાડી હતી. દરમિયાન આજે સવારે કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી દીધાં છે. હવે રાહુલ ગાંધીને શું સજા કરાશે તેના પર સૌની નજર ઠરી છે. કારણકે આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને જો તેવું થયું તો રાજકીય ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થશે.

નોંધનીય છે કે કોંગ્રેસ તરફે મોટા નેતાઓએ કહ્યું હતું કે કોંગ્રેસ કોર્ટના ચુકાદાનું સન્માન કરશે. આજે કોર્ટમાં હાજર રહેવા રાહુલ ગાંધી જ્યારે સુરત પહોંચ્યાં ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય કક્ષાના મોટા કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યાં હતાં. એટલું જ નહીં, શહેરમાં અનેક પોઈન્ટ ઉપર રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *