November 25, 2024

અસલામત સવારી, ગુજરાત એસટીની

  • એક હાથે મોબાઈલ અને એક હાથે સ્ટિયરીંગ ફેરવતા એસટીના ડ્રાઈવર મહાશયને મુસાફરોના જીવની ચિંતા ખરી?
  • હાઈવે પર ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લેવાનો હોય, ત્યાં મોબાઈલમાં વાત કરતાં સ્હેજ ચૂક થઈ તો ગયા કામથી

થોડા દિવસો પૂર્વે મારા એક મિત્રએ મને વોટ્સએપ દ્વારા કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો મોકલ્યા, કહ્યું આને ચલાવજો. વોટ્સએપ જોયા બાદ લાગ્યું કે આમાં વળી શું? અને ઈગ્નોર કર્યું. ગઈકાલે આ મિત્રનો ફોન આવ્યો અને વાતચીત થઈ. તેણે કહ્યું કે તમે ડ્રાઈવરને દંડની કે નોકરીની ચિંતા કરો છો, તો મુસાફરોના જીવની તમને કોઈ ચિંતા નથી? ન કરે નારાયણ અને કોઈ અકસ્માત થઈ જાય તો જવાબદારી કોની? છેવટે મને આ મિત્રની વાત સાચી લાગી.

તા. 3જીની સાંજે આ મિત્ર ચિખલી ખારેલ ચોકડીથી એસટી બસમાં સુરત આવવા માટે બેઠાં હતાં. ડ્રાઈવરની નજીકની જ સીટ મળી. થોડા સમય બાદ તેમના ધ્યાને આવ્યું કે ડ્રાઈવર તદ્દન બેફિકરાઈથી બસ ચલાવતો હતો. તે વારંવાર મોબાઈલ ઉપર વાત કરતો રહેતો. એક હાથમાં મોબાઈલ લઈને વાતો કર્યે રાખે અને એક હાથે સ્ટિયરીંગથી બસ ચલાવે. તે પણ નેશનલ હાઈવે નં. 48, કે જે સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને અવારનવાર ગમખ્વાર અકસ્માત થાય છે.

હાઈવે ઉપર જ્યારે કોઈ વાહન ચલાવતું હોય ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લેવો પડતો હોય છે. જો સ્હેજ પણ ચૂક થઈ ગઈ તો અકસ્માતની શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં જો કોઈ વાહનચાલક મોબાઈલ ઉપર વાત કરે તો તે સીધેસીધું અકસ્માતને નોંતરૂં છે. એટલા જ માટે સરકારે પણ ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવા પર પ્રતિબંધ લાદ્યો છે અને મોટા દંડની પણ જોગવાઈ છે.

છતાં પણ સરકારી જેવા એસટી નિગમના ફાટીને ધુમાડે ગયેલા આવા ડ્રાઈવરો કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે અને ડ્રાઈવિંગમાં હિરોગીરી કરવા સાથે 40-50 મુસાફરોનો જીવ જોખમમાં નાંખે તો આવા ડ્રાઈવરો વિરુદ્ધ ચોક્કસ જ કડક કાર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો