ભારતીય નૌકાદળનું એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
- મુંબઈ દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ યુદ્ધના ધોરણે બચાવકાર્યઃ ત્રણેક ક્રૂ મેમ્બર્સને હેમખેમ ઉગારી લેવાયા
- ઈટાલીમાં પણ વિમાન દુર્ઘટનામાં બેનાં મોતઃ બે યુદ્ધવિમાનો અભ્યાસ દરમિયાન ટકરાઈ જતાં બંને પાયલોટના મોત
આજે સવારે મુંબઈ પાસે ભારતીય વાયુસેનાનું એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મુંબઈથી ઉડાન ભર્યા બાદ મુંબઈના જ દરિયાકાંઠે તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને ઈમરજન્સી લેન્ડિંગ જેવી સ્થિતિ સામે આવી હતી. નેવીને ઘટનાની જાણ થતાં યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરાયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરના ચાલકદળના ત્રણેય સભ્યોને ઉગારી લેવામાં આવ્યા છે અને તેઓ હેમખેમ છે.
આ ઘટના સવારની છે અને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)એ તેની નિયમિત ઉડાન મુંબઈ નૌસેના મથકથી ભરી હતી. જો કે થોડા સમય બાદ જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને નેવીને મેસેજ પહોંચાડાતાં નેવલ પેટ્રોલ ક્રાફ્ટે તુરંત બચાવકાર્ય હાથ ધરાયું હતું. સમગ્ર ઘટના અંગે ભારતીય નૌસેનાએ ચિંતા વ્યક્ત કરી છે અને અકસ્માતના તપાસના આદેશ જારી કર્યાં છે.
આ તરફ ઈટાલીમાં બે યુદ્ધવિમાનો સામસામે ટકરાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઈટાલીના ગાઈડોનિયા પ્રાંતમાં યુદ્ધવિમાનોનો અભ્યાસ ચાલી રહ્યો હતો. દરમિયાન મંગળવારની સાંજે રોમથી ઉત્તર-પશ્ચિમમાં ઈટાલીયન એરફોર્સના U-208 યુદ્ધવિમાનો સામસામે ટકરાઈ ગયા હતાં. વિમાન ચલાવનારા બંને પાયલોટના મોત થયા છે. ઘટના અંગે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે.