સુરતમાં કોરોના રિટર્ન, અઢી મહિના બાદ પ્રથમ કેસ નોંધાતાં ફફડાટ
- હિરાના કારખાનામાં કામ કરતો 20 વર્ષીય યુવક પોઝિટિવ, સંપર્કમાં આવેલા ઘર-ઓફિસના અન્ય લોકો નેગેટિવ આવતાં રાહત
- ત્રણ દિવસથી શરદી, ખાંસી, તાવ હતાંઃ સારવાર માટે ગયા ત્યારે ટેસ્ટ કરાવ્યો હતોઃ હાલત સ્થિર, કોઈ જોખમ નહીં હોવાનો ખુલાસો
બે વર્ષ કરતાં પણ વધુ સમય સુધી સમગ્ર વિશ્વને બાનમાં લેનારા કોરોના એટલે કે કોવિડ-19ની સુરતમાંથી ક્યારની વિદાય થઈ ગઈ હતી. જો કે અંદાજે અઢી મહિના બાદ શહેરના વરાછા વિસ્તારમાંથી એક પોઝિટિવ કેસ મળી આવતાં પાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. અલબત્ત દર્દીની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની યાદી મુજબ વરાછા અશ્વિનીકુમાર રોડનો 20 વર્ષીય યુવક કે જે હિરાના કારખાનામાં નોકરી કરે છે, તેને ત્રણેક દિવસથી શરદી, ખાંસી, તાવ હતાં. જેથી સારવાર માટે તે ફુલપાડા અર્બન હેલ્થ સેન્ટર ગયો હતો, જ્યાં તેનો ટેસ્ટ કરાતાં તે કોવિડ-19 પોઝિટિવ જણાયો હતો. આરોગ્ય તંત્ર તુરંત જ સતર્ક થયું હતું અને ઉક્ત યુવકના ઘરના તેમજ ઓફિસના 8 જેટલા સભ્યો કે જેઓ તેના સંપર્કમાં હતાં, તેમના ટેસ્ટ કરાવાયા હતાં. અલબત્ત તમામના રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપરાંત કોરોનાગ્રસ્ત યુવકની ટ્રાવેલિંગ તેમજ પબ્લીક ગેધરિંગની હિસ્ટ્રી તપાસવામાં આવી હતી. પરંતુ બંને મુદ્દે યુવકની હિસ્ટ્રી નહીં હોવાથી પણ રાહત થઈ છે.
જો કે આશ્ચર્યની વાત એ છે કે કોરોનાગ્રસ્ત યુવક તેમજ તેના પરિજનોએ કોવિડ વેક્સિનના તમામ ડોઝ લીધાં હતાં, છતાં યુવક કોરોનાગ્રસ્ત થયો છે. તેના સેમ્પલને જીનોમ સિક્વન્સીંગ માટે ગાંધીનગર મોકલાયા છે. પાલિકાના આરોગ્ય વિભાગ મુજબ સુરત શહેરમાં કોવિડ-19નો છેલ્લો કેસ 27.12.2022ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ અઢી મહિને અને 2023ના વર્ષનો પ્રથમ કેસ નોંધાયો છે, જેથી વિભાગ દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે.