વૈષ્ણવ સંપ્રદાયના તૃતિય પીઠાધીશ્વર વ્રજેશકુમાર મહારાજનું નિધન
- તા. 13મીથી ગંભીર બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, 11.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા
- વૈષ્ણવ સંપ્રદાયને આંચકોઃ ચાર વેદ અને સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગના અત્યંત વિદ્વાન હતાં
વૈષ્ણવ સમાજના પૂજનીય અને મહાવિદ્વાન વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીનું આજે નિધન થયું છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ બીમાર હતાં અને ગંભીર હાલતમાં તેમને તા. 13મીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન મલ્ટી ઓર્ગન ફેઈલ્યોરને પગલે આજે તેમણે 11.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતાં. પૂ. વ્રજેશકુમારના નિધનના પગલે વૈષ્ણવ સંપ્રદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વૈષ્ણવ સંપ્રદાયના કાંકરોલી નરેશ તૃતિય પીઠાધીશ્વર પ. પૂ. ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજ લાંબી માંદગી બાદ આજે વૈકુંઠવાસી થઈ ગયા છે. પૂ. વ્રજેશકુમાર ચારેય વેદ, સંસ્કૃત વ્યાકરણ ઉપરાંત પુષ્ટિમાર્ગના અત્યંત વિદ્વાન તરીકે ખ્યાતિપ્રાપ્ત હતાં. તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે 400થી વધુ સ્તોત્રોની રચના પણ કરી છે, જે આજે વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રચલિત છે. સાથે જ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટિંગમાં પણ તેઓ નિષ્ણાંત હતાં.
રાજસ્થાન સ્થિત કાંકરોલી ઉપરાંત મથુરા, ગોકુળ, અમદાવાદ રાયપુર, જતીપુરા અને આણંદના મંદિરો પણ તેમના તાબા હેઠળ હતાં. સાથે જ વડોદરા ખાતેનું બેઠક મંદિર તેમજ સુખધામ હવેલી પણ તેમના તાબામાં જ હતાં. વૈષ્ણવ સંપ્રદાયના અંદાજે 130થી વધુ મંદિરો-હવેલીઓ તેમના તાબા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પૂ. વ્રજેશકુમારના નિધનને પગલે વૈષ્ણવ સંપ્રદાય આઘાતમાં છે. આજે બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને કેવડાબાગ સ્થિત મંદિરે અંતિમ દર્શન માટે રખાશે.