ગુજરાતમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ, નુક્સાન-જાનહાનિના કોઈ સમાચાર નહીં
- રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રનું ટ્વિટ, બપોરે 3.21 વાગ્યે ધરતી ધણધણીઃ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 270 કિ.મી. ઉત્તરે
- કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાનના ફયઝાબાદથી દક્ષિણે 117 કિ.મી. દૂર, જમીનથી 98 કિ.મી. ઊંડે હોવાની અન્ય ટ્વિટ કરી
ગુજરાતમાં આજે બપોરના સુમારે ભૂકંપે ધરતીને હચમચાવી હોવાનું રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક ટ્વિટમાં જણાવાયું છે. જે મુજબ બપોરે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ ઉપર નોંધાયો હતો. અલબત્ત ભૂકંપ અંગે હજુ કોઈ પ્રતિક્રિયા રાજ્યભરમાંથી મળી નથી. શરૂઆતની ટ્વિટ મુજબ બપોરે 3.21 વાગ્યે રિક્ટર સ્કેલ ઉપર 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 270 કિ.મી. દૂર ઉત્તર-ઉત્તર-પશ્ચિમે, 10 કિ.મી. જમીનના ઊંડાણમાં હતું.
અલબત્ત આ સાથે જ રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની એક અન્ય ટ્વિટ પણ સામે આવી છે. જેમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનના ફયઝાબાદથી 117 કિ.મી. દક્ષિણે 4.3ની તીવ્રતાનો ભૂકંપ ત્યાંના સ્થાનિક સમય બપોરે 3.29 વાગ્યે નોંધાયો હતો, જે જમીનમાં 98 કિ.મી.ની ઊંડાઈએ હતો. અલબત્ત અફઘાનિસ્તાન કે ગુજરાતમાં હજુ સુધી ક્યાંય પણ ભૂકંપ અનુભવાયાના કે પછી તેને પગલે કોઈ નુક્સાન-જાનહાનિના સમાચાર સાંપડ્યાં નથી.