પાલ અન્નપૂર્ણા મંદિરે ભવ્યાતિભવ્ય મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો
- મંદિરના પ્રાંગણમાં બિરાજમાન એકલિંગજી મહાદેવ સમીપ સવારે 5 વાગ્યાથી પંચામૃત મહાઅભિષેક, લઘુરૂદ્ર, મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા
- રાત્રે ભરત નાટ્યમના કલાકારો દ્વારા શિવતાંડવ ઉપરાંત શિવજીને વિશેષ શ્રૃંગાર, ઘીના કમળ ચઢાવાયાઃ સુંદરકાંડ અને અખંડ હનુમાન ચાલીસા પઠન કરાયું
શિવજીની આરાધનાના વિશેષ પર્વ મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી પાલ ખાતે આસ્થાનું ધામ બનેલા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે કરવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં બિરાજમાન એકલિંગજી મહાદેવ સમીપ વહેલી સવારથી મોડી રાત્રી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને મહાશિવરાત્રીનું સમગ્ર પર્વ ભક્તિમય બન્યું હતું.
વહેલી સવારે 5 વાગ્યાથી મહાદેવજીને પંચામૃત મહાઅભિષેકથી પર્વનો શુભારંભ કરાયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન લઘુરૂદ્ર, રૂદ્રીપાઠ મહાઅભિષેક તેમજ મહાપૂજન ચાલુ રહ્યાં હતાં. સવારે 8 વાગ્યે મહાઆરતી બાદ 9 વાગ્યે પુનઃ રૂદ્રી મહાભિષેક પૂજન બપોરે 12.30 વાગ્યે મધ્યાહ્ન આરતી અને સાંજે 7.30 વાગ્યે આરતી રાખવામાં આવી હતી. વિશેષ આકર્ષણ તરીકે મંદિરના પ્રાંગણમાં રાત્રે 8 કલાકે ભરત નાટ્યમના કલાકારો દ્વારા શિવતાંડવ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ યોગાની પણ સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે શિવજીને વિશેષ શણગાર તેમજ ઘીના કમળ ચઢાવવામાં આવ્યા હતાં.
મહાશિવરાત્રી સાથે જ શનિપ્રદોષનો પવિત્ર સંયોગ હોવાથી રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન સુંદરકાંડના પાઠ કરાયા હતાં. રાત્રે 12 વાગ્યાથી રવિવારની સવારે 8 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરવામાં આવ્યા હતાં. મંદિરના ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધાપૂર્ણ માહોલમાં મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો હતો અને હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.