November 24, 2024

સુરત પાલિકા ઉર્દૂ શિક્ષણ મુદ્દે ઉદાસીન, મુસ્લિમ બાળકો સાથે અન્યાય

  • કોંગી અગ્રણી સાયકલવાલાની નેશનલ કમિશન ફોર માયનોરિટી એજ્યુ. ઈન્સ્ટી.ના ચેરમેન જસ્ટિસ જૈન સમક્ષ રજૂઆત
  • ઉર્દૂ માધ્યમની શાળાઓમાં શિક્ષકોની ઘટથી ભણતરને અસરઃ સુમન સ્કૂલો વધારવા તેમજ 11-12ના વર્ગો શરૂ કરવા માંગ

કેન્દ્રની નેશનલ કમિશન ફોર માયનોરિટી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટના ચેરમેન જસ્ટિસ નરેન્દ્રકુમાર જૈન આજે સુરતની મુલાકાતે આવ્યા હતાં. ત્યારે કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ તેમને સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નીતિ-રીતિ વિષે ફરિયાદ કરી હતી. પાલિકાની ઉદાસીનતાને પગલે મુસ્લિમ બાળકોને શિક્ષણના મુદ્દે અન્યાય થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

જૈનને પાઠવેલા પત્રમાં સાયકલાવાએ જણાવ્યું છે કે પાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા ચલાવાતી 28 ઉર્દૂ શાળાઓમાં 18000થી વધુ મુસ્લિમ બાળકો અભ્યાસ કરે છે. જો કે 1થી 5ના વર્ગોમાં 45 જ્યારે 6થી 8ના વર્ગોમાં 35 શિક્ષકોની ઘટ છે, જેને પગલે બાળકોના ભણતર પર અસર થઈ રહી છે. જેથી શિક્ષકોની તુરંત ભરતી કરવામાં આવે તેવી માંગ તેમણે ઉઠાવી છે.

સાયકલવાલાએ વધુમાં જણાવ્યું છે કે શહેરના મુસ્લિમ બહુમતિ ધરાવતાં વિસ્તારો ઉન તેમજ ફુલવાડી ખાતે ઉર્દૂ માધ્યમની નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા 4 વર્ષથી વધુ સમયથી માંગ થઈ રહી છે, પરંતુ માત્ર રાજકીય દબાણ હેઠળ આ સ્કૂલો શરૂ કરાતી નથી. ઉપરાંત પાલિકા દ્વારા ધો. 9થી 12 માટે સુમન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ઉપરાંત મરાઠી અને ઉડીયા તેમજ ઉર્દૂ માધ્યમની શાળાઓ છે. પરંતુ એકમાત્ર ઉર્દૂ માધ્યમની શાળાનું પોતાનું મકાન નથી, જે પણ તાત્કાલિક ધોરણે ફાળવાય તે જરૂરી છે. સાથે જ ઉર્દૂ માધ્યમમાં માત્ર ધો. 9 અને 10ના જ વર્ગો શરૂ કરાયા છે. જેથી અન્ય સુમન સ્કૂલોની જેમ ઉર્દૂ માધ્યમની શાળાઓને બિલ્ડીંગ ફાળવાય અને ધો. 11-12ના વર્ગો પણ શરૂ કરાય તેવી માંગ સાયકલવાલાએ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો