મહાશિવરાત્રીઃ ઉપવાસ કઈ રીતે કરવો અને શું કાળજી રાખશો?
- સ્નાન બાદ તુરંત ઈષ્ટદેવતા સમક્ષ સંકલ્પ કરવો, શરીરને વધુ કષ્ટ નહીં પડે તે પ્રકારે ફળાહારનો ક્રમ નક્કી કરવો
- સમગ્ર દિવસ દરમિયાન કોઈની નિંદા કરવી નહીંઃ કપટ, અસત્ય વચનો, ગુસ્સા કે ઝઘડાથી દૂર રહેવુંઃ બ્રહ્મચર્યનું પાલન કરવું
તા. 18મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી ઉપરાંત શનિપ્રદોષ સહિતના દુર્લભ યોગ બને છે ત્યારે ખાસ કરીને ભોળાનાથને રીઝવવા અને શનિદેવને પણ પ્રસન્ન કરવા લોકો અનેક તૈયારીઓ કરીને બેઠા છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ, યજ્ઞ-હવન સાથે ઉપવાસ પણ મહત્વનો ગણાવાયો છે. ત્યારે શ્રદ્ધાળુઓ પોતપોતાની ભક્તિ-શક્તિ મુજબ ઉપવાસ કરતાં હોય છે. પરંતુ જો તમે ઉપવાસ કરતાં હોય તો કેટલાક નિયમો પાળીને તેને સફળ બનાવવો રહ્યો, અન્યથા તેનું ફળ નહીં મળે.
જે દિવસે જે પ્રકારે ઉપવાસ રાખવાના હોય તેનો સંકલ્પ કરવો જરૂરી છે. દા.ત. મહાશિવરાત્રી માટે મહાદેવ માટે ઉપવાસ રાખવાના હોય ત્યારે સવારે સ્નાન બાદ તુરંત શિવજી સમક્ષ કઈ રીતે ઉપવાસ કરવાના છે તેનો સંકલ્પ કરવો. માત્ર ફળો ખાઈને, મોરૈયો-સાબુદાણા જેવી ફરાળી વાનગીઓ સાથે, માત્ર પ્રવાહી પીને કે પછી એકટાણું અનાજ ખાઈને પણ ઉપવાસ કરી શકાય છે. જે સંકલ્પ ઉપવાસ શરૂ કરતાં પૂર્વે કરવાનો હોય છે.
સંકલ્પ મુજબના આહારનો જે પણ ક્રમ હોય તેને જાળવી રાખવો જોઈએ. એટલું જ નહીં, ઉપવાસના દિવસે તમે નક્કી કરેલી ફરાળી વાનગી પશુ-પક્ષી, ગાય-કુતરાને પણ ધરવી જોઈએ. તમે આરોગવાના હોય તેવી વાનગી કોઈ બ્રાહ્ણણ કે અજાણ્યાને ખવડાવો તે વધુ ઉત્તમ રહેશે. જો ક્યારેક ભૂલથી ફરાળી સિવાયની કોઈ વાનગી ખવાઈ જાય, તો તુરંત માફી માંગી આગળનો ઉપવાસ ચાલુ રાખી શકાય.
ઉપવાસ એટલે કે આ વ્રત દરમિયાન આચાર વિચાર પણ ખૂબ મહત્વના ગણાવ્યા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શરીરને વધુ કષ્ટ પડે તે રીતે ઉપવાસ કરવા નહીં. કારણકે તેનાથી સંયમ તૂટવાની સંભાવના રહે છે અને ઉપવાસી વ્યક્તિ ક્યારેક ગુસ્સો કે ઝઘડો કરી બેસે છે. વ્રતના સમયગાળા દરમિયાન જુઠ્ઠું બોલવું નહીં, કપટ કરવું નહીં, વાતચીત અને વાણીવર્તનમાં સંપૂર્ણ સંયમ જાળવવો, કોઈને સાથે ઝઘો કરવો નહીં. ઉપવાસ દરમિયાન બ્રહ્મચર્ય ખૂબ જ જરૂરી છે અને તેની ચોક્કસ કાળજી રાખવી.