ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયું
- કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર નહીં રહેતાં ધ્રાંગધ્રા કોર્ટનો આદેશ
- 2017ની વિધાનસભા ચૂંટણી વેળા ધ્રાંગધ્રાના હરિપર ગામે આચારસંહિતા ભંગ કર્યો હતો
પાટીદાર નેતામાંથી આમ આદમી પાર્ટી અને ત્યારબાદ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની તકલીફ વધી છે. ધ્રાંગધ્રાની કોર્ટે આજે તેમની સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરતાં ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાં હાર્દિક કેસની સુનાવણીમાં હાજર નહીં રહેતાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળા ધ્રાંગધ્રાના હરિપર ગામે હાર્દિક પટેલની એક સભાનું આયોજન થયું હતું. જેમાં ચૂંટણી પ્રચાર ઉપરાંત કેટલાક મુદ્દે આચારસંહિતાનો ભંગ થયો હતો. જેથી ધ્રાંગધ્રા પોલીસે હાર્દિક વિરુદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો નોંધ્યો હતો અને તે કેસ ધ્રાંગધ્રાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. અલબત્ત હાર્દિકે ધ્રાંગધ્રા કોર્ટની કાર્યવાહીની અવહેલના કરી મુદ્દત ઉપર હાજર નહીં રહેતાં તેમની સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરી દેવાયું છે.
નોંધનીય છે કે પાટીદાર આંદોલન અને ત્યારબાદ આમ આદમી પાર્ટી માટે હાર્દિક પટેલે અનેક સભાઓ યોજી હતી અને કાયદાની વિરુદ્ધ જઈને કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી. જેને પગલે સરકારે ગાળિયો કસી હાર્દિક પટેલ વિરુદ્ધ લગભગ 20 જેટલા કેસ કર્યા હતાં. અલબત્ત 2017ના જામનગરના એક કેસમાં હાર્દિક નિર્દોષ જાહેર થયા છે. તો અમદાવાદ નિકોલના 2018ના એક કેસમાં અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં પણ હાર્દિકને એક વખત સમન્સ પાઠવાયું છે તો એક વખત કોર્ટે ટકોર કરી છે.
હાર્દિકના ભાજપમાં પ્રવેશ બાદ, પક્ષે તેમને ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી અને હાર્દિક વિરમગામ બેઠક પરથી ઐતિહાસિક લીડ સાથે વિજેતા બન્યા હતાં.